સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરેએ મુક્તિ માટે કરેલી અરજી કોર્ટે ફગાવી
રાહુલ શેવાળે બદનક્ષીનો 100 કરોડનો દાવો માંડયો છે
મેજિસ્ટ્રેટે અરજી ફગાવતાં વિશેષ કોર્ટમાં અરજી કરાઈ હતીઃ સમરી કેસમાં પ્રોસેસ જારી થયા બાદ મુક્તિની જોગવાઈ નથી તેવી નોંધ
મુંબઈ : શિવસેનાના માજી સાંસદ રાહુલ શેવાળેની બદનામીના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે જારી કરેલા સમન્સ રદ કરવા અને મુક્તિની અરજી ફગાવવાના આદેશને પડકારતી ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કરેલી અરજીને વિશેષ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટ પાસે ફરી સુનાવણી માટે કેસ મોકલાવ્યો હતો.
અગાઉ અરજીમાં વિલંબને માફ કરીને રૃ. બે હજારનો દંડ કર્યો હતો. આ રકમ શેવાળેને દસ દિવસમાં ચૂકતે કરવાનો નિર્દેશ સેશન્સ કોર્ટે આપ્યો હતો. મુક્તિની અરજી મેજિસ્ટ્રેટે ફગાવ્યા બાદ અપીલની અરજી કરવામાં ૮૪ દિવસનો વિલંબ થયો હતો.
મેજિસ્ટ્રેટે કેસમાંથી મુક્ત કરવાની અરજી ફગાવ્યા બાદ બંનેએ અપીલ કરી છે. સમરી કેસમાં પ્રક્રિયા જારી કરવાનો આદેશ આપ્યા બાદ આરોપીને મુક્ત કરવાની કોઈ વિશેષ જોગવાઈ ફોજદારી દંડ સંહિતામાં નથી, એમ કોર્ટે નોધ્યુંં હતું. મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની દાદ સાથે સાંસદો અને ધારાસભ્યોની વિશેષ કોર્ટમાં બંનેએ સમીક્ષા અરજી કરી હતી.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્રક સામનામાં રાહુલ શેવાળે વિશે કથિત બદનામી કરતો લેખ લખાયો હોવાનો આરોપ છે. આ લેખમાં રાહુલ શેવાળે દુબઈ અને કરાંચીમાં રિઅલ એસ્ટેટમાં હિત ધરાવે છે એવો આરોપ કરાયો હતો. આ બાબતે લેખમાં કરાયેલા દાવાના સ્રોત વિશે જાણકારી આપવા શેવાળેના વકિલે નોટિસ આપી હતી.
જવાબમાં સામના ટીમે દાવો કર્યો હતો કે તેમને ઈન્ટરનેટ પર એક મહિલાએ ચર્ચા કરી હોવાનું સાંભળ્યું હતું ને તેના આધારે લેખ લખાયો હતો. આને પગલે શેવાળેના વકિલ બદનક્ષીનો ફોજદારી ફરિયાદ કરી હતી અને રૃ. ૧૦૦ કરોડનો બદનક્ષીનોે કેસ હાઈ કોર્ટમાં કર્યો હતો.