સમીર વાનખેડે સામે ગંભીર આરોપો હોવાથી તપાસ જરૃરીઃ એનસીબી
સુશાંત સિંહના મૃત્યુ બાદ ડ્રગ કેસની તપાસમાં ગેરરીતિનો આરોપ
બેન્ચ હન્ટીંગ કરીને તપાસમાં વિલંબનો પ્રયાસ કરી રહ્યાની હાઈ કોર્ટમાં દાખલ સોગંદનામામાં રજૂઆત
મુંબઈ : એનસીબીપી માજી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે ગેરરીતિના આરોપો ગંભીર અને હોવાથી તેમની સામે પ્રાથમિક તપાસ શરૃ કરી હોવાનું નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (અનેસીબી)એ બોમ્બે હાઈ કોર્ટને આપેલા સોગંદનામામાં જણાવ્યું છે.દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી ડ્રગ કેસની તપાસમાં ગેરરીતિ સંબંધે એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)ની પ્રાથમિક તપાસમાં આઈઆરએસ અધિકારી સમીર વાનખેડે સામે જારી કરેલી નોટિસ પર એજન્સીએ સોગંદનામું નોંધાવ્યું હતું.
એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સંજય સિંહે દાખલ કરેલા સોગંદનામામાં વાનખેડેની અરજી ફગાવવાની દાદ માગી હતી અને દાવો કરાયો હતો કે તેઓ યોગ્ય બેન્ચ શોધી રહ્યા છે અને તપાસને વિલંબમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વાનખેેડેની અરજીની સુનાવણી પ્રલંબિત છે ત્યાં સુધી નોટિસ પર કોઈ અકરાં પગલાં લેવાશે નહીં એવી એનસીબીની ખાતરીને કોર્ટે સ્વીકારી હતી. કોર્ટે વાનખેડેની અરજી પર સોગંદનામું નોંધાવવા એજન્સીને જણાવ્યું હતું. અજ્ઞાાત ફરિયાદને આધારે તપાસ હાથ ધરાઈ હોવાના વાનખેડેના દાવાને એજન્સીએ નકારી કાઢ્યો હતો.
ડ્રગ સંબંધી કેસમાં એનસીબીએ અભિનેત્રી સપના પબ્બીને એનસીબીએ સમન્સ મોકલાવ્યા હતા અને ચાર્જશીટમાં શકમંદ દર્શાવાઈ છે. જાન્યુઆરી ૨૦૨૪માં તેણે પોતાની સામેના લુક આઉટ સર્ક્યુલરને લઈને અનેસીબીને ફરિયાદ કરી હતી.
પબ્બીએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે પોતે ભારતમાં નહોવા છતાં અને પોતાનું નિવેદન વર્ચ્યુઅલી રેકોર્ડ કરવાની વિનંતી કરી હોવા છતાં પોતે સહકાર આપતી નથી એવો દાવો કરીને એલઓસી જારી કરવામાં આવી છે. પોતાના નિવાસસ્થાને એનસીબીએ કરેલી તપાસમાં દવાની બે પટ્ટી મળી હતી જેનું પ્રિસ્ક્રીપ્શન પોતાની પાસે છે, એવો દાવો તેણે કર્યો હતો.
વાનખેડે સામે ગંભી આરોપોને લઈને તેમની સામે તપાસ કરવાનું જરૃરી લાગ્યું છે અને તેમને આરોપોની સત્યતા તપાસવા બોલાવવા પડે તેમ છે, એમ સોગંદનામામાં જણાવાયુંં હતંંુ.
વાનખેડેના વકિલે દલીલ કરી હતી કે ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સંજય સિંહ તપાસ કરી શકે નહીં. સિંહ પાસેથી વાનખેડે એક સમયે મંજૂરી મેળવતા હતા અને તેમના ઉપરી હતા. આથી સિંહ હવે તપાસનું વડપણ કરી શકે નહીં. અજ્ઞાાત ફરિયાદને આધારે આ રીતની તપાસ પણ એનસીબી કરી શકે નહીં .
એનસીબીએ સોગંદનામામાં દાવો કર્યો હતો કે વાનખેડે મુંબઈના ઝોનલ ડિરેક્ટર હતા અને સિંહ ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન) હતા અને આથી તેઓ વાનખેડેના રિપોર્ટિંગ ઓથોરિટી નહોતા. ફરિયાદની નકલ અથવા આરોપનામા સિંહને માત્ર નિરીક્ષણ માટે મોકલતા મંજૂરી માટે નહીં.
રાજપુતે જૂન ૨૦૨૦માં કથિત રીતે મુંબઈના નિવાસસ્થાને આત્મહત્યા કર્યા બાદ એનસીબીએ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના કથિત વપરાશની તપાસ કરી હતી. રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રબોર્તી, રિયાના ભાઈ શૌેવિક અને અન્ય ૩૩ સામે ડ્રગ ધરાવવું, સેવન અને ભંડોળના આરોપસર કેસ નોંધાયો હતો.
નવેમ્બર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ દરમ્યાન એનસીબીએ વાનખેડેને તપાસ માટે હાજર રહેવા આઠ નોટિસ મોકલાવી હતી. વાનખેડેએ તપાસને અને જારી કરેલી નોટિસને પડકારીને હાઈકોર્ટમાં ગયા સપ્તાહે અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે પોતાને લક્ષ્ય બનાવાઈ રહ્યા છે અને બદલો લેવા આ તપાસ કરવામાં આવી રહી છે.