સમીર વાનખેડેને ધરપકડ સામે સોમવાર સુધીની રાહત
આજે સીબીઆઈ સમક્ષ હાજર થશે
શાહરુખ પાસેથી 25 કરોડ પડાવવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા રાહત
મુંબઇ : બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈને શાહરુખ ખાન પાસેથી પચ્ચીસ કરોડ રુપિયા પડાવવાના કાવતરાંના કેસમાં મુંબઈ એનસીબીના માજી વડા સમીર વાનખેડે સામે આગામી સોમવાર સુધી કોઈ કઠોર કાર્યવાહી નહીં કરવા જણાવ્યું છે.
જોકે, હાઈકોર્ટે સાથે સાથે સમીર વાનખેડેને આવતીકાલે શનિવારે સીબીઆઈ સમક્ષ હાજર થવા પણ જણાવ્યું છે.
અગાઉ સીબીઆઈએ તા. ૧૮મીએ વાનખેડેને હાજર થવા જણાવ્યું હતું. પરંતુ, વાનખેડેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરતાં હાઈકોર્ટે તેમને કામચલાઉ રાહત આપી બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું. તે પછી વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરતાં હાઈકોર્ટે વાનખેડેને તા. ૨૨મી સુધીની કામચલાઉ રાહત આપી હતી. વાનખેડેએ પોતે આવતીકાલે સવારે ૧૧ વાગ્યે સીબીઆઈ સમક્ષ હાજર થશે તેવી ખાતરી અદાલતને આપી હતી. તે પછી એક વેકેશન બેન્ચ દ્વારા વાનખેડેને આ રાહત આપવામાં આવી હતી.
હવે હાઈકોર્ટને આપેલી ખાતરી અનુસાર વાાનખેડે આવતીકાલે બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે આવેલી સીબીઆઈની ઓફિસે હાજર થશે. જોકે, સીબીઆઈ સોમવાર સુધી તેમની ધરપક નહીં કરી શકે.
સીબીઆઈએ વાનખેડ ેપર શાહરુખ પાસે આર્યન કેસમાં પચ્ચીસ કરોડની રકમ માગવાનો આરોપ મૂક્યો છે. જોકે, વાનખેડેએ આ એફઆઈઆર રદ કરાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં દાદ માગી છે.
સીબીઆઈએ વાનખેડેને આરોપી દર્શાવવાની સાથે એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે કે ખુદ એનસીબીની જ સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમે આર્યન કેસમાં વાનખેડેની તપાસમાં અનેક છીંડા હોવાનું જણાવ્યું હતું.
આ ટીમે જણાવ્યું હતું કે તપાસમાં પ્રોસીજરની રીતે અનેક ખામીઓ હતી. આ કેસમાં એક સાક્ષી કે. પી. ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સઈલે પણ આવી અનેક ખામીઓનો ઉલ્લેખ કર્યો હતો. સેઈલે જ આક્ષે કર્યો હતો કે પોતે ગોસાવીને શાહરુખ પાસેથી પચ્ચીસ કરોડની માગણી કરતો સાંભળ્યો હતો.
તપાસ ટીમે જણાવ્યું હતું કે સાક્ષીઓનાં નિવેદન પરથી એ પુરવાર થયું છે કે આર્યન તથા તેના મિત્ર અરબાઝ મર્ચન્ટને એનસીબીનાં વાહનને બદલે ગોસાવીની પ્રાઈવેટ કારમાં એનસીબી ઓફિસ લાવવામાં આવ્યા હતા. આ તપાસ ટીમ જ્યારે એનસીબી ઓફિસ ખાતે તે દિવસનાં સીસીટીવી ફૂટેજ મેળવવા ગઈ ત્યારે તેમને આ ફૂટેજ કરપ્ટ થઈ ગયાં હોવાનું જણાવાયું હતું.