સમીર વાનખેડે પર ક્રુઝ કેસમાં હોદ્દાનો દુરુપયોગનો આક્ષેપ
એનસીબીની સ્પેશિયલ ઈન્ક્વાયરી ટીમના અહેવાલ મુજબ
એસઈટીના આક્ષેપ મુજબ વાનખેડેએ પાંચ વર્ષમાં વૈભવી ખર્ચ કર્યા હતા અને ડ્રગ્સ કેસમાં અનિયમિતતા આચરી હતી
મુંબઈ : સુપરસ્ટાર શાહરૃખ ખાનના પુત્રને સંડોવતા વિવાદાસ્પદ ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસની શરૃઆતમાં તપાસ કરનાર ભૂતપૂર્વ મુંબઈ ઝોન ચીફ સમીર વાનખેડેની ભૂમિકાની તપાસ કરવા સ્થપાયેલી એનસીબીની સ્પેશિયલ ઈન્ક્વાયરી ટીમ (એસઈટી)ને તેના દ્વારા વિદેશ પ્રવાસના ખર્ચ અને વૈભવી ઘડિયાળોની ખરીદીના ખોટા રિપોર્ટીંગ સહિત અનેક કથિત સેવા નિયમોના ઉલ્લંઘનની જાણ થઈ છે.
૨જી ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મુંબઈ તટ પર કોર્ડિલા ક્રુઝ ખાતે પાડવામાં આવેલી ધાડમાં ભ્રષ્ટાચાર અને નિયમોના કથિત ઉલ્લંઘન બદલ સમીર વાનખેડે સામે એફઆઈઆર દાખલ થયા પછી એસઈટીની તપાસના અહેવાલને સીબીઆઈએ રેકોર્ડ પર લીધા છે.
એસઈટીને વાનખેડે અને તેની ટીમ સામે બે બાબતોમાં અનિયમિતતા મળી હતીઃ ડ્રગ્સ-ઓન-ક્રુઝ દરોડા અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ નિયમોના ઉલ્લંઘનમાં કથિત અનિયમિતતા.
વાનખેડેએ આ આરોપોનો ઈન્કાર કર્યો હતો અને પોતાની સામેની સીબીઆઈની એફઆઈઆર રદ કરાવવા હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. તેનો દાવો હતો કે એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાાનેશ્વર સિંઘ પોતાની રીતે વર્તતા હતા.
જ્ઞાાનેશ્વર સિંઘે જણાવ્યું કે વાનખેડે સામેની તપાસમાં કોઈ પક્ષપાત નહોતો અને આ કેસમા મૃતક સાક્ષી પ્રભાકર સૈલની એફિડેવિટના આધારે એનસીબી મુખ્યાલયે તપાસ આરંભી હતી.
અન્ય સાક્ષી કે પી ગોસાવીના બોડીગાર્ડ સૈલનો દાવો હતો કે આ કેસમાં અનેક ગેરરીતિઓ હતી અને રૃા. ૨૫ કરોડની લાંચ માગવામાં આવી હતી.
એસઈટીના અહેવાલમાં આરોપ કરાયો છે કે લગભગ પાંચ વર્ષના ગાળામાં એટલે કે ૨૦૧૭-૨૧ દરમ્યાન વાનખેડેએ વિવિધ દેશોમાં ૫૫ દિવસની વિદેશી ટૂર કરી હતી અને ખર્ચ તરીકે માત્ર રૃા. ૮.૭૫ લાખ જાહેર કર્યા હતા જે હવાઈ ટિકિટ પૂરતા પણ નહોતા. અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે વાનખેડેએ લાખો રૃપિયાની રોલેક્સ ગોલ્ડ ઘડિયાળ ખરીદી હતી.
એસઈટીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આર્યન ખાન અને તેના મિત્ર અર્બાઝ મર્ચન્ટની કસ્ટડીમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. એક પછી એક થયેલા ઉલ્લંઘન એ વાતનો પુરાવો છે કે આર્યન ખાનની કસ્ટડી ગોસાવીને તક આપવા માટે જ કરાઈ હતી.
અહેવાલમાં વધુ જણાવાયું હતું કે એનસીબીની સીસીટીવી ફૂટેજ આ જ દિવસે બગડી ગઈ હતી અને ડીવીઆર તેમજ હાર્ડ ડિસ્ક બંને અલગ હતા. આથી એનસીબી સીસીટીવી ફૂટેજ છુપાડવા માગતી હોય તેવું લાગતું હતું.
અહેવાલમાં એવી પણ નોંધ લેવાઈ હતી કે આ કેસમાં બે જણાની મહત્વની ભૂમિકા હોવા છતાં તેમને ક્લીન ચિટ આપવામાં આવી હતી. એસઈટી એવો નિષ્કર્ષ પર આવી હતી કે આ અનિયમિતતાઓ આચરીને વાનખેડે અને તેની ટીમ દ્વારા ઝોનલ ડાયરેક્ટરના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.