સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરને હત્યાની ધમકી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરને  હત્યાની ધમકી 1 - image


પાકિસ્તાની નંબરો પરથી ધમકી અપાય છે

પાકિસ્તાન અને બ્રિટનથી ધમકી સાથે આપત્તિજનક મેસેજો પણ મળી રહ્યા છે

મુંબઇ :  આઇઆરએસ અધિકારી અને એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમણે આ બાબતે ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાંતિ રેડકરનું કહેવું છે કે તેમને અલગ-અલગ પાકિસ્તાની નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

આ બાબતે ક્રાંતિ રેડકરે જે નંબરો પરથી તેને ધમકી મળી રહી છે તે નંબરોના સ્ક્રીન શોટ પણ પોલીસને સબમીટ કર્યા છે. રેડકરના જણાવ્યાનુસાર પાકિસ્તાની નંબરો પરથી ધમકી આપતા કોલ બે દિવસથી શરૃ થયા હતા. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ રેડકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ એક ટ્વિટ કરી કાર્યવાહીની માગણી કરી છે. રેડકરને  છઠ્ઠી માર્ચથી તેમના નંબર પર પાકિસ્તાન અને બ્રિટનથી ધમકી આપવાની સાથે આપત્તિજનક ભાષામાં વોટ્સએપ મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે.

ક્રાંતિ રેડકરે 'એક્સ' પોસ્ટ પર વધુ વિગત આપતા જણાવ્યું હતું કે મારા મોબાઇલ નંબર પર અલગ-અલગ નંબરથી મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આવું લગભગ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. આ બાબતે પોલીસને પણ સતત માહિતગાર કરવામાં આવ્યા છે. રેડકરે સીએમ અને ડીસીએમને  સંબોધતા જણાવ્યું હતું કે ફક્ત આ વાત હું તમારા ધ્યાનમાં લાવવા માગું છું.

આ પહેલા પણ સમીર વાનખેડેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જૂન ૨૦૨૩ના સમીર વાનખેડે અને ક્રાંતિને દાઉદ ઇબ્રાહિમના નામે ધમકી મળી હતી. બનાવટી ટ્વિટર એકાઉન્ટ પરથી આ ધમકી આપવામાં આવી હતી. ક્રાંતિ રેડકરે ગયા વર્ષે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી. સમીર વાનખેડે ડ્રગ્સ કેસને લઈ થયેલી કાર્યવાહી બાદ ચર્ચામાં છે.



Google NewsGoogle News