રાખી સાવંત અને વકિલ સામે સમીર વાનખેડેનો 11 લાખનો માનહાનિનો દાવો
કોર્ડિલિયા ક્રુઝ ડ્રગ કેસ બાદ બદનક્ષીભર્યા નિવેદનો કરાયાનોદાવો
કેસની આરોપી મુનમુન ધમેચાના વકિલ ખાનની પોસ્ટ રાખીએ રિપોસ્ટ કરી હતી
મુંબઈ : નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (અનેસીબી)ના માજી અધિકારી સમીર વાનખેડેએ અભિનેત્રી અને બિગ બોઝની સ્પર્ધક રાખી સાવંત તેમ જ કોર્ડિલિયા ક્રુઝ ડ્રગ કેસની આરોપી મુનમુન ધમેચાના વકિલ અલી કાશિફ ખાન સામે માનહાનિનો કેસ કર્યો છે. વાનખેડેએ ૧૧ લાખની નુકસાન ભરપાઈ માગી છે. ગોરેગાંવના દિંડોશી સિવિલ કોર્ટમાં આ કેસ દાખલ કરાયો છે. રાખી અને વકિલ ખાને પોતાની છબિ ખરડાવવાનો પ્રયાસ કર્યાનું અરજીમાં જણાવાયું છે.
અરજીમાં જણાવ્યા અનુસાર ખાને સમાચાર ચેનલોને આપેલી મુલાકાતમાં વાનખેડે સામે ગંભીર આરોપો કર્યા હતા અને વાંધાજનક પોસ્ટ કરીન સોશ્યલ મીડિયા પર પાયાવિહોણા સાહિત્ય મૂક્યા હતા. સાવંતે તેની આ પોસ્ટ રિપોસ્ટ કરી હતી જેમાં વકિલે જોડેલા દસ્તાવેજો પણ હોવાનો દાવો કરાયો હતો.
વાનખેડેએ જણાવ્યું હતું કે ખાનના આવા ખોટા આરોપોને લીધે તેમને સતત માનસિક પરિતાપ, ભાવનાત્મક દબાણ અને સતામણીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે માનહાનિ બદલ રૃ. દસ લાખ અને માનસિક પરિતાપ બદલ રૃ. એક લાખનું વળતર માગ્યું છે. વાનખેડેએ કોર્ટ ફી મળીને કુલ રૃ. ૧૧,૫૫૦૦૦નું વળતર માગ્યું છે,
વાનખેડેએ કરેલા કેસ સંબંધે વકિલે ખાને મીડિયાને જણાવ્યું હતું કે કાયદાનો અર્થ એવો છે કે જનતાના ભલા માટે સત્ય બોલવાથી બદનામી થતી નથી. આઈપીસી કલમ ૪૯૯ હેઠળ બીજા અપવાદ એટલે કે પબ્લિક કન્ડક્ટ એફ પબ્લિક સર્વન્ટ્સ એટલે કોઈ સાર્વજનિક સેવકના સાર્વજનિક કાર્યમાં તેના વર્તાવ બદલ અથવા ચરિત્ર વિશે સદ્ભાવનાથી મત મંડાયો હોય તો તેની બદનામી થતી નથી. વકિલ ખાન મોડેલ મુનમુન ધમેચાના પણ વકિલ છે. મુનમુનને ૨૦૨૧માં ડ્રગ્સ પ્રકરણે અટક કરવામાં આવી હતી. આ રેડનું નેતૃત્વ સમીર વાનખેર્ડેેએ કર્યું હતું.
વકિલ ખાને જણાવ્યું હતું કે સમીર વાનખેડેએ પોતાની સામેનો કેસ યોગ્ય હોવાનું પુરવાર કરશે તો હું તેને ૧૧.૦૧ લાખ આપીશ. હાલ આ કેસ કોર્ટ સમક્ષ હોવાથી કોઈ વધુ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો.
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને એનસીબીએ ડ્રગ્સ કેસમાં પકડયો હતો ત્યારે રાખી સાવંતે આર્યને સમર્થન આપ્યું હતું. તેણે અનેક વિડિયો શેર કરીને આર્યન ખાન નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. રાખી પોતાના બેધડક નિવેદન અને ડ્રામા માટે ચર્ચામાં રહે છે.