સમય રૈનાએ વીડિયો ડિલીટ કર્યા, શો સ્ક્રિપ્ટેડ નહિ હોવાનો અપૂર્વા-આશિષનો દાવો
રણવીર અલ્હાબાદિયાની ગંદી ટિપ્પણીમાં વધતી તવાઈ
ખાર પોલીસ મથકે અપૂર્વાનું નિવેદન લેવાયું -સંજય રૈનાએ ૧૭મી માર્ચ સુધી સમય માગ્યો પણ પોલીસનો ઈનકાર
સિદ્ધાંત ચતુર્વેદી, ઉર્ફી જાવેદ, રાખી સાવંત, તન્મય ભટ્ટને પણ પોલીસ દ્વારા સમન્સ પાઠવાયા
મુંબઈ - રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ બિભત્સ ટિપ્પણીથી ભારે વિવાદ અને પોલીસ કેસોની વણઝાર બાદ સમય રૈનાએ તેના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ' ના તમામ વીડિયો ડિલીટ કર્યા છે. રૈનાએ મુંબઈ પોલીસના સમન્સના સંદર્ભમાં પોતે હાલ અમેરિકાની ટૂર પર હોવાથી તા. ૧૭મી માર્ચ્ સુધીની મુદ્દત માગી હતી. જોકે, પોલીસે તેને આ મુદ્દત આપવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ આજે અપૂર્વા મખીજા ખાર પોલીસ મથકે હાજર થઈ હતી. તેણે અને આશિષ ચંચલાણીએ પોલીસને એવું નિવેદન આપ્યાનું જાણવા મળે છે કે આ શો સ્ક્રિપ્ટેડ ન હતો અને તેના સંવાદો, ટિપ્પણીઓ વગેરે ત્વરિત રીતે જ બોલાતા હતા.
દરમિયાન મુંબઈ પોલીસે આ કેસમાં સિદ્ધાંત ચતુર્વેદી, ઉર્ફી જાવેદ, તન્મય ભટ્ટ તથા રાખી સાવંત અને દીપક કલાલ સહિતના જાણીતા લોકોેન ે પણ સમન્સ પાઠવ્યા છે.
સમય રૈનાએ આજે એક મેસેજમાં જણાવ્યું હતું કે આ શો સંદર્ભે જે વિવાદ થયો છે તે હેન્ડલ કરવાનું તેની ક્ષમતાથી બહાર છે. મેં મારી ચેનલ પરથી ઈન્ડિયાઝ ગોટ લેટન્ટના તમામ વીડિયો ડિલીટ કરી દીધા છે. મારો હેતુ માત્ર લોકોને હસાવવાનો જ હતો. તેણે એમ પણ જણાવ્યું હતું કે પોતે પોલીસ સહિતની તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.
બીજી તરફ મુંબઈ પોલીસે બુધવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અપૂર્વા મુખિજા સહિત ચાર વ્યક્તિઓના નિવેદન નોંધ્યા હતાં.
ખાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં મુખિજા અને અલ્હાબાદિયાના મેનેજર ઉપરાંત અન્ય બે જણના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ હજી સુધી રણવીરની પૂછપરછ થઈ નથી. તેણે જવાબ આપવા માટે વધુ સમય માગ્યો છે પરંતુ પોલીસે તેની વિનંતી ફગાવી દીધી છે.
અપૂર્વા તથા આશિષ ચંચલાણીએ પણ તેમના ંનિવેદન પોલીસને આપ્યાં છે. તેમાં તેમણે જણાવ્યું છે કે આ શોની સ્ક્રિપ્ટ અગાઉથી લખાતી ન હતી. સ્વંયસ્ફૂરિત રીતે જ સંવાદો તથા ટિપ્પણીઓ ઉચ્ચારવામાં આવતાં હતાં. તમામ પેનલિસ્ટસ તથા ભાગ લેનારાઓને પણ સ્વંયસ્ફૂરણાથી જ એકદમ નૈસર્ગિક લાગે તે રીતે બોલવા જણાવાતું હતું.
મહારાષ્ટ્ર સાયબર વિભાગે મંગળવારે શો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અત્યાર સુધી આ કેસમાં છ લોકોના નિવેદન લેવાયાં છે.
વિવાદ ફાટી નીકળ્યા બાદ મહારાષ્ટ્ર ભાજપના ઉત્તર ભારતીય મોરચાના કાર્યકર્તા નીલોત્પલ મૃણાલ પાંડેએ સોમવારે અલ્હાબાદિયા અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.
જો પોલીસ અલ્હાબાદિયા અને શોના અન્ય સહભાગીઓ સામે એફઆઈઆર નહીં નોંધે તો તેઓ કોર્ટમાં જશે એમ અગાઉ તેણે જણાવ્યું હતું.
પાંડેએ એવો પણ દાવો કર્યો હતો કે રિયાલિટી શોમાં દિવ્યાંગ વ્યક્તિઓ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પોતે દિવ્યાંગ છે. આ સંદર્ભમાં શોના સહભાગીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧૬ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા રણવીર તેની વિવાદાસ્પદ ટિપ્પણીનો એક વીડિયો વાયરલ થયા પછી ચર્ચામાં આવી ગયો અને વાણી સ્વાતંત્ર્ય તથા શિષ્ટાચાર શું છે તે અંગે ભારે ચર્ચા શરૃ થઈ હતી.
તેણે એક વીડિયો દ્વારા માફી જાહેર કરીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
શિવસેના સાંસદ નરેશ મ્હસ્કે દ્વારા સંસદમાં આ મુદો ઉઠાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાની માંગ કરી હતી.
રાષ્ટ્રીય મહિલા આયોગે રણવીર, સમય રૈના, અપૂર્વા મખિજા, જસપ્રીત સિંહ, આશિષ ચંચલાની તેમ જ શોના નિર્માતાઓ તુષાર પૂજારી સૌરભ બથોરાને ૧૭ ફેબુ્રઆરીએ નવી દિલ્હીમાં તેમની સમક્ષ હાજર થવા જણાવ્યું છે.