ફાયરિંગ કેસમાં સલમાનનું 4 કલાક સુધી નિવેદન લેવાયું
ઘર પર થયેલાં ફાયરિંગ બાદ 2 મહિને નિવેદન નોંધ્યું
બાન્દ્રા ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે પહોંચેલી પોલીસે સલમાનની સાથે અરબાઝ ખાન તથા સોહેલ ખાનના પણ નિવેદન મેળવ્યાં
મુંબઇ : બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બાંદરાના નિવાસસ્થાન ગેલેકેસી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કરવાના ચકચારજનક કેસમાં પોલીસે સલમાન અને તેના ભાઇ અરબાઝ, સોહેલ ખાનના નિવેદન નોંધ્યા છે.
ક્રાઇમબ્રાન્ચના ચાર પોલીસ અધિકારીઓની ટીમ ગેલેકસી એપાર્ટમેન્ટમાં ગઇ હતી. પોલીસે ફાયરિંગ સંદર્ભે સલમાન ખાનનું ચાર કલાક અને તેના બે ભાઇ અરબાઝ, સોહેલના બે કલાક સુધી નિવેદન નોંધ્યા હતા.
આ હુમલા પાછળ લોરેન્સ બિશ્નોઇ ગેંગનો હાથ હોવાનો આરોપ છે કેમ કે ગેંગસ્ટરના ભાઇ અનમોલ બિશ્નોઇએ પેસબુક પર પોસ્ટ દ્વારા ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી.
૧૪ એપ્રિલના વહેલી સવારે બાઇક પર આવેલા બે શૂટરે સલમાનના ઘરની બહાર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પછી ગુજરાતમાં માતાના મઢથી બંને શૂટર વિકી ગુપ્તા અને સાગર પાલને પકડવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે પોલીસ લોકઅપમાં આરોપી અનુજ થાપને ગળાફાંસો ખાઇ લીધો હતો.
બીજી તરફ નવી મુંબઇ પોલીસે સલમાન પર હુમલાના કાવતરાના અન્ય કેસમાં બિશ્નોઇ ટોળકીના પાંચ આરોપીને ઝડપી લીધા હતા.
ગુજરાતની જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇ અને વિદેશમા રહેતા તેના ભાઇ અનમોલ સામે તેઓ સંપર્ક ધરાવતા હતા. બિશ્નોઇ ભાઇઓના કહેવાથી તેમણે સલમાનના પનવેલના ફાર્મહાઉસ, બાંદરાના ઘર, તેમજ તેની ફિલ્મના શૂટિંગના સ્થળની રેકી કરી હતી. તેઓ હુમલા માટે પારિસ્તાનથી શસ્ત્રો ખરીદવાના હતા.
અગાઉ અનેક વખત બિશ્નોઇ ગેંગ દ્વારા સલમાનને મારી નાખવાની ધમકે આપવામાં આવી છે. અખિલ ભારતીય બિશ્નોઇ સોસાયટીના પ્રમુખ દેવેન્દ્ર બુડિયાએ ગયા મહિને એક નિવેદન બહાર પાડયું હતું અને દલીલ કરી હતી કે જો બોલીવૂડ સુપરસ્ટાર માફી માંગે તો તેની માફી પર વિચાર કરવામાં આવશે. ભૂલ સોમી અલી દ્વારા નહીં પરંતુ સલમાન ખાને કરી હતી. આથી તેણે બિશ્નોઇ સમાજ સમક્ષ પ્રસ્તાવ મૂકવો જોઇએ કે તે માફી માંગવા માંગે છે.
તેણે મંદિરમાં આવીને ક્ષમા માંગવી જોઇએ. તેણે ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે અને હંમેશા વન્યજીવોના રક્ષણ અને પર્યાવરણના જતન માટે કામ કરશે એવી શપથ લેવી જોઇએ, જો તે આમ કરશે તો તેને માફ કરવાના નિર્ણય બાબતે સમાજ વિચાર કરશે, એમ દેવેન્દ્ર બુડિયાએ વધુમાં કહ્યું હતું.
ફાયરિંગ બાદ સલમાન ખાનની સુરક્ષા અપગ્રેડ કરવામાં આવી હતી તેને વાય પ્સલ સુરક્ષા હેઠળ બે કમાન્ડો, બે એસ્કોર્ટ વાહન, ૧૧ પોલીસ આપવામાં આવ્યા છે. સુરક્ષા કાફલાના કર્મચારી પાસે બે ઓટોમેટિક ગન પણ છે.