સલમાન કેસઃ શૂટર્સને ફંડિગ કરનારો રાજસ્થાનથી ઝડપાયો
સલમાનના ઘરે ગોળીબારના કેસમાં 5માં આરોપીની ધરપકડ
લોરેન્સ બિશ્નોઇ-ગેંગના મોહમ્મદ ચૌધરીએ શૂટર્સને ફંડિંગ કર્યું હતું અને ખાનના ઘરની રેકી પણ કરી હતી
મુંબઇ : બોલીવૂડના દબંગ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવાના ચકચારજનક કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે શૂટરોને કથિતરીતે નાણાકીય મદદ કરવા બદલ રાજસ્થાનથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગના એક ગુંડાની ધરપકડ કરી છે. આ આરોપીએ સલમાનના બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટની પાંચ વખત રેકી કરી હતી એમ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
ફાયરિંગ કેસમાં પાંચમાં આરોપી મોહમ્મદ રફીક ચૌધરી (ઉ.વ.૩૭)ને રાજસ્થાનથી પકડીને મુંબઇ લાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
૧૪ એપ્રિલે વહેલી સવારે બાંદરામાં સલમાનના નિવાસસ્થાનની બહાર બાઇક પર આવેલા બે શખસે પિસ્તોલમાંથી પાંચ રાઉન્ડ ફાયર કર્યા હતા. સદ્નસીબે ફાયરિંગમાં કોઇને ઇજા થઇ નહોતી. બાંદરામાં માઉન્ટ મેરી ચર્ચ પાસે બાઇક છોડીને બંને શૂટર પલાયન થઇ ગયા હતા પછી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ યુનિટે કચ્છના માતાના મઢથી શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તાને ઝડપી લીધા હતા. ત્યારબાદ બંન્ને પિસ્તોલ પહોંચાડનારા અનુજ થાપન અને સોનૂ ચંદર (ઉ.વ.૩૭)ની પંજાબથી ધરપકડ કરાઇ હતી જોકે આરોપી અનુજે પોલીસ લોકઅપના વૉશરૃમમાં ચાદરથી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન ગુનામાં ચૌધરીની ભૂમિકાની જાણ થઇ હતી. આરોપી ચૌધરીએ પાલ અને ગુપ્તાને બાઇક ખરીદવા અને પાલઘરમાં ઘર ભાડે રાખવા આર્થિક મદદ કરી હતી. ખાનના નિવાસસ્થાનની ચૌધરીએ પાંચથી વધુ વખત રેકી કરી હતી. ફાયરિંગ પહેલા ચૌધરી પનવેલ ગયો હતો. જ્યાં પાલ અને ગુપ્તા સાથે રહ્યો હતો.
ગોળીબારનું કાવતરું ઘડવામાં આવ્યું ત્યારથી ચૌધરીએ આરોપીઓને તમામ લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડયો હતો.
પોલીસે ચૌધરી બાબતે ચોક્કસ માહિતી મેળવી હતી. પછી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી. છેવટે નાગૌર જિલ્લામાંથી તેને પકડવામાં આવ્યો હતો.
આ કેસ વધુ આરોપી સંડોવાયેલા હોવાની શંકા છે. આમ ચૌધરીની ધરપકડથી ગુનામાં મહત્વની માહિતી મળી શકે છે.
બિશ્નોઇ ગેંગના ઇશારે આરોપીઓએ ખાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર બાદ લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇએ સોશિયલ મીડિયામાં મેસેજ કરીને હુમલાની જવાબદારી સ્વિકારી હતી.
અમદાવાદથી સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઇ બંધ છે. જ્યારે અનમોલ બિશ્નોઇ યુએસ કે કેનેડામાં હોવાનું મનાય છે.
અગાઉ અનેક વખત લોરેન્સ બિશ્નોઇએ સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.