સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ફરી ધમકી, દાઉદ પણ તને નહીં બચાવી શકે
જીપી ગ્રેવાલના ઘરે હુમલાની જવાબદારી સ્વીકારવા સાથે ધમકી
મુંબઈ પોલીસે સલમાનને જાણ કરી, તેની સિક્યોરિટી વ્યવસ્થાની પણ વધુ એક વખત સમીક્ષા
મુંબઈ : લોરેન્સબિશ્નોઈ ગેંગે સલમાન ખાનને વધુ એક વખત ધમકી આપી છે. આ વખતે સોશિયલ મીડિયા પર આ ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે મુંબઈ પોલીસે સલમાન ખાનની સિક્યોરિટીની સમીક્ષા કરી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેનેડામાં પંજાબી સિંગર અને એક્ટર જિપી ગ્રેવાલના ઘરે થયેલા હુમલાની જવાબદારી લીધી છે. આ અંગેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે જિપ્પી સલમાનને તેનો ભાઈ ગણે છે. પરંતુ, સલમાન હવે તને બચાવવા આવે છે કે નહીં તે કહે. સાથે સાથે સલમાનને પણ ધમકી અપાઈ છે કે તને અમારાથી કોઈ નહીં બચાવી શકે. એવા ભ્રમમાં ન રહેતો કે દાઉદ પણ તને મદદ કરી શકશે.
કેનેડામાં રવિવારે જિપી ગ્રેવાના ઘરે અંધાધૂંધ ગોળીબાર થયો હતો.
સલમાનને સોશિયલ મીડિયામાં મળેલી ધમકી બાદ મુંબઈ પોલીસ વધારે સતર્ક થઈ હતી. સલમાન ખાનને પણ આ ધમકી વિશે માહિતી અપાઈ હતી. તેની હાલની સિક્યુરિટી વ્યવસ્થાની પણ તાબડતોબ સમીક્ષા કરવામાં આવી હતી.
અગાઉ પણ બિશ્નોઈ ગેંગ દ્વારા મળી ચૂકેલી ધમકીઓને કારણે સલમાનને વાય પ્લસ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. તે જ્યાં પણ જાય ત્યાં એક પોલીસ અધિકારી તથા ચાર જવાન તેની સાથે હોય છે. મુંબઈના બાન્દ્રા ખાતેના તેના ઘર આસપાસ પણ પહેરો ગોઠવી દેવાયો છે. સલમનાનને તેના ફલેટની ગેલેરીમાં ચાહકોને ઝલક આપવા બહાર નહીં આવવાની કેપહેલાંની જેમ જાહેરમાં સાઈકલ ફેરવવા નહીં નીકળવાની તાકીદ કરાઈ છે.
સલમાને જોકે આ નવી ધમકી બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરી નથી.
અગાઉ, માર્ચ ૨૦૨૩માં સલમાનના પર્સનલ આસિસ્ટન્ટને ઈમેઈલ કરી ધમકી અપાઈ હતી. તે વખતે પોલીસે લોરેન્સ બિશ્નોઈ તથા તેના સાગરિત ગોલ્ડી બ્રાર સામે ગુનો દાખલ કર્યો હતો.