સલીલ અંકોલાના માતાનો ગળું ચિરાયેલી હાલતમાં મૃતદેહ મળતાં ચકચાર
કેટલાય સમયથી માનસિક બીમારીથી પીડાતાં હતાં
કામવાળી બાઈએ બેલ મારી પણ પ્રતિસાદ ન મળતાં નજીકમાં રહેતી દીકરીને બોલાવીઃ લોહીના ખાબોચિયાંમાં લાશ મળી
મુંબઈ : ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને એક્ટર સલીલ અંકોલાની માતાનું પુણેમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. સલીલ અંકોલાની માતાનો મૃતદેહ ગળા પર જખ્મ સાથે લોહીના ખાબોચીયામાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
સલીલ અંકોલાના માતા માલા અશોક અંકોલા (૭૭) પુણેના ડેક્કન વિભાગના પ્રભાત રોડ પર ગલ્લી નં.૧૪માં આવેલા એક ઘરમાં એકલાજ રહેતા હતા. આ ઘટના બાદ સલીલ અંકોલાએ સ્વયં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી ગુડબાબ મોમ તેવું લખી માતાના મૃત્યુની જાણ કરી હતી. આ ઘટના બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અંકોલાના માતાની હત્યા થઈ છે કે કોઈ અન્ય કારણ છે તેની તપાસ હાથ ધરી છે.
આ સંદર્ભે પુણે (ઝોન-૧ના) ડીસીપી સંદિપ સિંહ ગીલે પત્રકારોને જણાવ્યું હતું કે આજે સવારે અંકોલાની માતાને ઘરે કામ કરતી બાઈ જ્યારે કામ માટે આવી ત્યારે તેણે બેલ વગાડી પણ ઘણા સમય સુધી કોઈ પ્રતિસાદ ન મળતા તેણે મૃતક માલા અંકોલાની પુત્રીને ફોન કર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરે આવ્યા હતા અને દરવાજો ઉઘાડયો ત્યારે માલા લોહીના ખાબોચીયામાં ગળા પર જખ્મ સાથે મળી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તપાસ શરૃ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃત્યુનું ખરું કારણ જાણી શકાશે. આ બાબતે ગીલે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે તેઓ માનસિક બિમારીથી પણ પીડાઈ રહ્યા હતા અને તેમણે કદાચ આત્મહત્યા કરી હોય તેવી શક્યતા છે.
સલીલ અંકોલાએ તેના ક્રિકેટ કેરિયરની શરૃઆત ભારતીય ટીમમાં ૧૫ નવેમ્બર ૧૯૮૯ના રોજ પ્રવેશ મેળવીને કરી હતી. ૧૯૯૬માં રમાયેલા વર્લ્ડકપ ટીમનો તે એક સભ્ય હતો. જો કે ૧૯૯૭માં તેના ક્રિકેટ કેરિયરનો અંત આવ્યો હતો અને ૨૯માં વર્ષે તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને ત્યારબાદ અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેણે અમૂક ફિલ્મ અને ટીવી સિરિયલમાં કામ કર્યું હતુ.
મૃતક માલા અંકોલાના પતિ અને સલીલના પિતા આઈપીએસ અધિકારી હતી.