સૈફે 35 લાખનો મેડીક્લેમ મૂક્યો, 25 લાખના બિલને પૂર્વ મંજૂરી
બાકીની રકમ સારવાર પૂરી થયા બાદ સરભર કરાશે
વીમા કંપની સાથેના વ્યવહારો સોશિયલ મીડિયા પર લીક થતાં આ બાબતે હવે કોઈ અપડેટ ન આપવા પરિવારની હોસ્પિટલને વિનંતી
મુંબઈ - અજાણ્યા હુમલાખોરના હુમલામાં ઘાયલ થયા પછી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા એક્ટર સૈફ અલી ખાને રૃા. ૩૫.૯૫ લાખના આરોગ્ય વીમાનો દાવો કર્યો હતો જેમાંથી તેને હાલ રૃા. પચ્ચીસ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ બાબતની પુષ્ટી સૈફની વીમા એજન્સીએ કરતા જણાવ્યું હતું કે સંપૂર્ણ સારવાર પૂરી થયા પછી એકવાર અંતિમ બિલ સુપરત કરવામાં આવે ત્યારે બાકીની રકમની પતાવટ પણ થઈ જશે.
સૈફ અલી ખાનના કથિત મેડિકલ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. જેમાં તેના સારવારના ખર્ચની વિગતો અને તેની સંભવિત ડિસ્ચાર્જ તારીખનો ઉલ્લેખ હતો. દસ્તાવેજમાં લીલાવતી હોસ્પિટલમાં સ્વીટ રુમ ખાતે સારવાર ચાલી રહ્યાનો અને ૨૧ જાન્યુઆરીએ સંભવિત ડિસ્ચાર્જનો ઉલ્લેખ કરાયો છે.
જો કે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે સૈફને સારું જણાશે તો તેને ૨૦ જાન્યુઆરીએ પણ ડિસ્ચાર્જ આપવામાં આવી શકે.
દરમ્યાન સૈફના પરિવારે સૈફની સારવારની બાબતો સતત મીડિયામાં આવી રહી હોવાથી તથા વીમા દસ્તાવેજો પણ લીક થઈ જતાં મેડિકલ ટીમને હવે કોઈપણ વધારાના અપડેટ શેર ન કરવાની વિનંતી કરી છે.
મેડિકલ એજન્સીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે એક્ટર સૈફ અલી ખાન સાથે બનેલી આ કમનસીબ ઘટના ચિંતાજનક છે. તેને હોસ્પિટલમાં દાખલ કરતાની સાથે કેશરહિત સારવાર માટે પૂર્વમંજૂરીની વિનંતી મળી હતી અને સારવાર શરૃ કરવા પ્રાથમિક રકમ તરીકે પચ્ચીસ લાખની મંજૂરી આપવામાં આવી હતી. સારવાર પૂર્ણ થયા પછી અંતિમ બિલો મળતા બાકીની રકમની પતાવટ પોલિસીના નિયમો અને શરતો મુજબ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બોલીવૂડના આ સુપરસ્ટારને ગુરુવારે વહેલી સવારે બાન્દ્રામાં પોતાના ઘરમાં ઘૂસણખોર સાથે ઝપાઝપી દરમ્યાન ચાકુના છ ઘાની ઈજા થઈ હતી જેમાંથી એક ઈજા કરોડજ્જુમાં હતી. ચાકુનો ટુકડો કાઢી નાખવા અને લીક થતા સ્પાઈનલ પ્રવાહી માટે સર્જરી કરવામાં આવી હતી. સૈફ હાલ જોખમની બહાર હોવાની જાણકારી ડોક્ટરોએ આપી હતી.