સૈફ અલી ખાન પર ઘરમાં જ ભેદી હુમલો ચોરે ચાકુના ઘા મારતાં ગંભીર ઈજા
સૈફના અલ્ટ્રા સેફ ઘરમાં છેક 12મા માળ સુધી ચોર કેમ પહોંચ્યો તે અંગે ભેદભરમ
સૈફના સ્ટાફની મહિલાનો પરિચિત હોવાની પણ ચર્ચાઃ પોલીસના દાવા અનુસાર ચોર ૧૨મા માળે સીડી દ્વારા ચઢ્યો અને ત્યાથી જ ઉતરીેને ભાગી પણ ગયો
સૈફને કરોડરજ્જુ પાસે અઢી ઈંચની છરીનો ટૂકડો ઘૂસી ગયો, ગરદન, ખભા અને કાંડા પર પણ ગંભીર ઈજાઓથી પ્લાસ્ટિક સર્જરીની નોબત આવી
બોલીવૂડ સેલિબ્રિટીઓ ઉપરાંત સૈફ અને કરીનાના લાખો ચાહકોને ભારે આંચકો
મુંબઈ - મુંબઈમાં બાંદરા વિસ્તારમાં સૈફ અલી ખાનના ૧૨ મા માળે આવેલા ફલેટમાં ઘૂસેલા એક અજાણ્યા શખ્સે તેના પર હુમલો કરી ચાકુના ઘા મારતાં સૈફને ગંભીર ઈજાઓ થઈ હતી. સૈફને તત્કાળ બાંદરાની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ઓપરેશન કરી તેની કરોડરજ્જુ પાસે ઘૂસી ગયેલો અઢી ઈંચનો ચાકુનો ટૂકડો બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેને ગરદન, ખભા તથા કાંડાના ભાગે પણ ઈજાઓ થઈ હતી. જોકે, આ બનાવ અંગે ભારે તર્કવિતર્ક સેવાઈ રહ્યા છે. પોલીસના તથા સૈફની ટીમના દાવા અનુસાર એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. તે સીડી વાટે ફલેટમાં આવ્યો હતો અને ત્યાંથી જ ભાગ્યો હતો. પરંતુ, સૈફ જેવી સેલિબ્રિટીનું નિવાસસ્થાન ભારે કડક સિક્યોરિટી ધરાવતી બિલ્ડિંગમાં છે. તેવા સંજોગોમાં કોઈ ચોર છેક ફલેટમાં પહોંચી જાય અને હુમલો કરીને પાછો ફરાર પણ થઈ શકે તે વાત ચાહકોના ગળે ઉતરતી નથી. આ ચોર સૈફની એક મહિલા સ્ટાફનો પરિચિત હોવાની પણ થિયરી વહેતી થઈ છે. પોલીસે હાલ તો ૧૫ ટીમો રચી આ હુમલાખોરની ભાળ મેળવવા તપાસ ચાલુ કરી છે.
પોલીસના દાવા અનુસાર આરોપી ચોરીના ઇરાદે ઘરમા ઘૂસ્યો હોવાનું કહેવાય છે. તે હુમલા બાદ બિન્દાસ્તપણે બિલ્ડીંગમાંથી સીઢીથી નીચે ઉતરી નાસી ગયો હતો. દરમિયાન તે સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો હતો. મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પણ કેસની તપાસ કરી રહી છે અને લગભગ ૧૫ ટીમ બનાવવામાં આવી છે. સૈફ પર એટેક બાદ સેલિબ્રિટીની સુરક્ષાને લઇને ફરી સવાલ ઉભો થયો છે.
બાંદરામાં 'સતગુરુ શરણ' બિલ્ડિંગમાં સૈફના ઘરમાં ગઇકાલે રાતે ૨.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. અભિનેતાના ઘરમાં કામ કરતી એરિયામાં ફિલિપ્સ ઉર્ફે લિમાની ફરિયાદના આધારે બાંદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેની સામે ટ્રેસ પાસિંગ, ચોરી, હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
લિમા સૈફના પુત્ર તૈમુરના કેરટેકર તરીકે લિમા કરે છે. તેણે આપેલી ફરિયાદ મુજબ ઘરમાં ઘૂસી આરોપી કંઇક શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે લિમાએ બૂમો પાડી હતી. આરોપીએ તેની મારપીટ કરી હાથ પર ચાકૂથી હુમલો કર્યો હતો. લિમાનો અવાજ સાંભળીને બાજુની રૃમમાં સૂતેલો સૈફ મદદ માટે દોડી આવ્યો હતો સૈફે તેનો બહાદુરી પૂર્વક સામનો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝપાઝપીમાં હુમલાખોરે સૈફ પર ચાકૂના છ વાર કર્યા હતા. ત્યારબાદ આરોપી બિલ્ડીંગની સીડી ઉતરીને પલાયન થઇ ગયો હતો.
સૈફને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ડોક્ટરના જણાવ્યા મુજબ ઇમરજન્સી સર્જરી બાદ ૫૪ વર્ષીય સૈફ ખતરાની બહાર છે તેની કરોડરજ્જુમાંથી ચાકૂના ૨.૫ ઇંચનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો છે.
ન્યૂરોસર્જન ડો. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડો. લીના જૈન અને એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. નિશા ગાંધીના માર્ગદર્શન હેઠળ ડોક્ટરોની ટીમ દ્વારા સૈફનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. નિરજ ઉતમાણીએ જણાવ્યું હતું કે તેમને છ ઇજા થઇ છે. એમાં બે નાની, બે ઊંડી ઇજા છે. એક ઇજા પીઠ પર છે જે કરોડ રજ્જુની નજીક છે.
સૈફને ચાકૂના કારણે તેની થોરાસિક સ્પાઇનમાં મોટી ઇજા થઇ હતી. ચાકૂના ટુકડાને કાઢવા કરોડરજ્જુની સારવાર માટે સર્જરી કરવામાં આવી હતી. અભિનેતાની ડાબા હાથમાં અને ગરદનની જમણી બાજુએ અન્ય બે ઉંડા ઘા હતા. જ્યાં ે પ્લાસ્ટિક સર્જરી ટીમ દ્વારા સારવાર અપાઈ હતી.
ડો. ઉતમાણીની જણાવ્યા મુજબ સૈફને આઇસીયુમાં ખસેડવામાં આવ્યો છે. કદાચ એક-બે દિવસમાં તેને નોન-આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં આવશે.
સૈફ અને કરીના બંનેની ટીમ દ્વારા અપાયેલાં નિવેદનમાં પણ આ ઘરમાં ઘૂસેલા અજાણ્યા ચોર દ્વારા હુમલાની ઘટના હોવાનો દાવો કરાયો છે. પોલીસે અભિનેતાના ઘરમાં કામ કરતી વ્યક્તિઓ અને અન્યના નિવેદનો નોંધી મામલાની વધુ તપાસ આદરી છે.
જોકે, કેટલાક અહેવાલો અનુસાર પોલીસને કોઈ ચોર બળપૂર્વક રીતે ફલેટમાં ઘૂસ્યો હોવાના પુરાવા મળ્યા નથી. આ સંજોગોમાં કોઈ પરિચિત દ્વારા તેને ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો કે શું તે અંગે તપાસ થઈ રહી છે.