સૈફ અલી ખાન હુમલાના પાંચ દિવસ બાદ હોસ્પિટલથી અન્ય ઘરે પરત
- ફોર્ચ્યુન હાઈટ બિલ્ડિંગના નવાં ઘરે થોડો સમય રહેશે
- સૈફએ હવે બોલીવૂડના મોટાભાગના સ્ટાર્સની જેમ એક્ટર રોનિત રોયની કંપનીની સિક્યુરિટી હાયર કરી
મુંબઇ : બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન હુમલામાં ગંભીરપણે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર પછી આજે ઘરે પરત ફર્યો હતો. જોકે, તે થોડા સમય માટે ફોર્ચ્યુન હાઈટ બિલ્ડિંગના ઘરે રહેશે.
હોસ્પિટલમાં પાંચ દિવસ દાખલ સૈફ પર સર્જરી કરાઇ હતી. હોસ્પિટલમાંથી બહાર આવતી વખતે અભિનેતા હસતા અને ચાહકો, મીડિયાને હાથ બતાવતા નજરે પડયો હતો.
સૈફએ હવે એક્ટર રોનિત રોયની કંપનીની સિક્યુરીટી હાયર કરી છે. બોલીવૂડના મોટાભાગના સ્ટાર્સ પોતાની પર્સનલ સિક્યોરિટી માટે રોનિત રોય પર જ આધાર રાખે છે.
૫૪ વર્ષીય સૈફ અલી ખાને કરોડરજ્જુની ઇજાની સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં ન્યુરોસર્જરી કરાવી હતી. તેમજ ગરદન અને હાથ પરની ઇજાની સારવાર માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.
હોસ્પિટલમાં બહાર આવતી વખતે ખાને સફેદ શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેર્યું હતું. તેણે રાહ જોઇ રહેલા ચાહકો અને મીડિયાને જોઇને કેમેરા તરફ હાથ દાખવ્યો હતો. તેના હાથ પર પાટો બાંધેલો હતો તેણે દરેકનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
સૈફ સિક્યુરિટી ગાર્ડ સાથે કાળારંગના વાહનમાં બેસી ગયો હતો. તેની પત્ની અભિનેતા કરીના કપૂર સૈફને રજા મળે તે પહેલા હોસ્પિટલમાં જોવા મળી હતી.
સ્પાઈનમાં છરી ભોંકાઈ હોય એઆટલો સ્વસ્થ ચાલી શકે : ચર્ચા છેડાઈ
મુંબઈ : સૈફ અલી ખાન આજે ચાહકોનું અભિવાદન કરતાં કરતાં એકદમ સ્વસ્થતાથી ચાલીને પોતાના ઘર તરફ રવાના થયો હતો. તેના ફૂટેજ વાયરલથયા બાદ સોશિયલ મીડિયા પર એવી વ્યાપક ચર્ચા છેડાઈ હતી કે હજુ પાંચ દિવસ પહેલાં જે વ્યક્તિને સ્પાઈનમાં, ખભા પર અને કાંડા પર છરીના ઘા વાગ્યા હોય, પેરેલિસિસ થવાની અણી પર પહોંચી ગયો હોય એ વ્યક્તિ આટલો સ્વસ્થ છે તે બહુ નવાઈની વાત કહેવાય. સૈૈફ પર થયેલા હુમલાના સંજોગો તથા આક્રમણખોર તેના ઘરમાં કેવી રીતે શા માટે પ્રવેશ્યો તે અંગે અનેક જાતની ચર્ચાઓ પહેલેથી છેડાઈ ચૂકી છે. તેમાં આ નવી ચર્ચાનો ઉમેરો થયો છે.
લોકોએ એવી પણ ટિપ્પણી કરી હતી કે સામાન્ય રીતે લોહીલુહાણ માણસ એમ્બ્યુલન્સ કે કોઈની કારમાં હોસ્પિટલ પહોંચવાનું પ્રીફર કરતો હોય છે જ્યારે સૈફ જેવી સેલિબ્રિીટના કેસમાં ઊંધું થયું છે. તે રીક્ષામાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ગયો હતો જ્યારે હવે સ્વસ્થ થઈને મોંઘીદાટ ગાડીમાં પાછો ફરી રહ્યો છે. વાસ્તવમાં તેને આ ગાડીની જરુર તે રાતે વધારે હતી.