અકોલામાં શસ્ત્ર કેસમાં ઝડપાયેલો યુવક લોરેન્સ બિશ્નોઈનો સાગરિત
- બિશ્નોઈ દ્વારા સલમાનની હત્યાની ધમકી અપાઈ છે
- અકોલામાં કૂવામાં બે પિસ્તોલ અને નવ કારતૂસ ફેંકી દીધાં હતાં ઃ લોરેન્સ સાથે વીડિયો કોલ કર્યા હતા
મુંબઈ : મહારાષ્ટ્રના અકોલામાં કૂવામાં બે પિસ્તોલ અને નવ કારતૂસ મળવાના કેસમાં પકડાયેલા ત્રણ આરોપીની પૂછપરછમાં પોલીસે ચોંકાવનારી માહિતી મળી હતી. અભિનેતા સલમાન ખાનને વારંવાર મારી નાખવાની ધમકી આપનારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે એક આરોપી સંપર્ક ધરાવતો હતો, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.
અકોટ-અકોલા રોડ પર બ્રિજ નીચે બે યુવક મોટરસાઇકલ પર પિસ્તોલ લઈને ઊભા હોવાની માહિતી ગત ૧૬ જાન્યુઆરીએ પેટ્રોલિંગ કરતી પોલીસને મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી પ્રફુલ ચવ્હાણ (ઉં. વ. ૨૫), અજય તુલારામ દેઠે (ઉં. વ. ૨૭)ને પકડીને તપાસ કરતા તેમની પાસે એક ખાલી મેગેઝિન મળી આવી હતી. પોલીસ પૂછપરછ કરતા આરોપીએ કૂવામાં બે દેશી બનાવટની પિસ્તોલ અને નવ જીવંત કારતૂસ ફેંકી દીધી હોવાનું કબૂલ કર્યું હતું. બાદમાં કૂવામાંથી આ શસ્ત્રો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બન્ને સામે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
પુણેના રહેવાસી શુભમ લોણકરે (ઉં. વ. ૨૫) અજાણ્યા આરોપી દ્વારા ચવ્હાણને શસ્ત્રો પહોંચાડયા હતા.
આ ગુનામાં મુખ્ય સૂત્રધાર શુભમ મધ્યપ્રદેશ નાસી ગયો હતો. પોલીસ તેને પકડવા ઉજ્જૈન ગઈ પણ તે પલાયન થઈ ગયો હતો. છેવટે ૩૦ જાન્યુઆરીના શુભમની પુણેથી ધરપકડ કરાઈ હતી.
પોલીસે ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી શુભમે કથિત રીતે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે ૨૦૨૨ અને ૨૦૨૩માં બે વાર વોટ્સએપ વિડિયો કોલ કર્યો હતો. આ સિવાય લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ અને ત્રણ ઇન્ટરનેશનલ નંબર પર વોટ્સએપ ઓડિયો કોલ પણ કરવામાં આવ્યા હતા. આ તમામ કોલની પોલીસ તપાસ કરી રહી છે. અકોલામાં આરોપીને શસ્ત્રો કેમ આપવામાં આવ્યા હતા તે ચર્ચાનો વિષય બન્યો છે.