સાધ્વી પ્રજ્ઞાસિંહને આજે કોર્ટમાં હાજર થવા આદેશ
માલેગાંવ બોમ્બ ધડાકા કેસની સુનાવણી
તબિયતનું કારણ દર્શાવી કોર્ટમાં હાજરીમાંથી કાયમી મુક્તિની અરજી નકારાઈ
મુંબઈ : ૨૦૦૮ના માલેગાંવ બોમ્બ ધડાકા કેસની સુનાવણી કરી રહેલી વિશેષ કોર્ટે ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાા સિંહ ઠાકુરને ગુરુવારે કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. અન્યથા કોર્ટ તેમની સામે યોગ્ય આદેશ આપશે.
વિશેષ જજ એ. કે. લાહોટી કેસની અંતિમ દલીલો સાંભળી રહ્યા હતા. એ દરમ્યાન ઠાકુરના વકિલે તેમની તબિયત સુધરે ત્યાં સુધી કોર્ટમાં હાજરીંથી મુક્તિ અપાવાની વિનંતી કરી હતી.
ઠાકુરની તબિયત કથળી રહી છે અને દ્રષ્ટી નબળી પડી રહી છે આથી ભોપાલથી મેરઠની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાની દલીલ તેમના વકિલે કરી હતી.
કોર્ટે કાયમી મુક્તિ અપાવાનો ઈનકાર કરીને વકિલને દરેક સુનાવણીમાં મુક્તિ માટે અરજી કરવા અને ગુરુવારે ઠાકુરને હાજર કરવા જણાવ્યું છે. જો તેઓ હાજર નહીં રહે તો કોર્ટ યોગ્ય આદેશ આપશે, એમ કોર્ટે જણાવ્યું હતું.