સડક ટૂની એકટ્રેસ ક્રિસન પરેરા શારજાહ જેલમાંથી મુક્ત થઈ ગઈ
શારજાહમાં ખોટા ડ્રગ કેસમાં ફસાઈ ગઈ હતી
અભિનેત્રી સાથે છેંતરપિંડી કરનારા બે આરોપીની ધરપકડ બાદ મુંબઈ પોલીસે જરુરી દસ્તાવેજો શારજાહ મોકલતાં છૂટકારોઃ એક-બે દિવસમાં ભારત પરત આવશે
મુંબઈ : યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) માં ડ્રગ રાખવાના આરોપમાં ઝડપાયેલી અને શારજાહની જેલમાં બંધ અભિનેત્રી ક્રિસન પરેરાને ત્યાંના લા એન્ફોર્સમેન્ટ ઓથોરિટી દ્વારા મુક્ત કરી દેવામાં આવી છે. તે આગામી એક - બે દિવસમાં મુંબઈ પાછી આવી જશે. મુંબઈના એક બેકરી સંચાલક તથા એક બેન્ક એક્ઝિક્યુટિવ દ્વારા તેને ફસાવવામાં આવી હતી.
હોલીવુડની વેબ સિરીઝમાં ભૂમિકા આપવાનું વચન આપીને બે આરોપીએ મુંબઈની ૨૭ વર્ષીય અભિનેત્રીને 'ઓડિશન'ના બહાને શારજાહ ડ્રગ્સ સાથે મોકલીને કથિત રીતે છેતરપિંડી કરી હતી.
મહેશ ભટ્ટ દિગ્દશત બોલિવૂડ ફિલ્મ 'સડક-૨'માં અભિનય કરનાર પરેરાને પહેલી એપ્રિલના રોજ શારજાહ એરપોર્ટ પર પકડવામાં આવી હતી.
આરોપીએ તેની સાથે એકમેમેન્ટો રુપે ટ્રોફી મોકલી હતી. એમાં ડ્રગનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. એક આરોપીએ આ મેમેન્ટો તેને યુએઈમાં કોઈને આપવા માટે કહ્યું હતું.
અભિનેત્રીની ધરપકડ પછી આરોપી રવિ બોભાટે અને એન્થોની પૌલે કથિત રીતે પરેરાને બચાવવા માટે તેની માતા પાસેથી રૃ.૮૦ લાખની માંગણી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ત્યારબાદ અભિનેત્રીની માતાએ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસે છેતરપિંડીનો કેસ નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી.
બીજીતરફ મુંબઈ પોલીસે કેસના દસ્તાવેજો સંબંધિત અધિકારીઓને મોકલ્યા હતા.તેમણે કેસની વિગતો તપાસી હતી. પછી બુધવારે રાત્રે ક્રિસન પરેરાને મુક્ત કરવામાં આવી હતી,એમ પોલીસે જણાવ્યું હતું.
આ સંબંધમાં વિદેશ મંત્રાલય સાથે સત્તાવાર વાતચીત ચાલી રહી છે.પરેરા એક-બે દિવસમાં મુંબઈ પરત ફરે તેવી શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું.
ક્રિસન પરેરાએ જેલના દિવસોની આપવીતી વર્ણવી
ટોઈલેટના પાણીની કોફીઃ ડિટર્જન્ટથી વાળ ધોયા
બાલીવુડ એક્ટ્રેસ ક્રિસન પરેરાએ યુએઈમાં જેલમાંથી બહાર આવ્યા બાદ હાથથી લખેલી નોટમાં પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.અભિનેત્રીએ દાવો કર્યો છે કે જેલની અંદર તેને ટોઈલેટના પાણીમાંથી કોફી બનાવવી પડી હતી અને ડિટર્જન્ટથી વાળ ધોવા પડયા હતા.આ બાબતની નોંધ તેના ભાઈ કેવિને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
અભિનેત્રીએ પોતાની નોટમાં લખ્યું, 'મને જેલમાં પેન અને કાગળ શોધવામાં ત્રણ અઠવાડિયા અને પાંચ દિવસ લાગ્યાં હતા.મેં ડીટર્જન્ટથી મારા વાળ ધોયા હતા. ટોઈલેટના પાણીથી મારી કોફી બનાવી હતી. મેં બોલિવૂડની ફિલ્મો પણ જોઈ,ક્યારેક મારી આંખમાં આંસુ આવી જતા તો ક્યારેક ટીવી પર આપણી સંસ્કૃતિ, સંગીત અને પરિચિત ચહેરાઓ જોઈને હું હસતી હતી. હું ભારતીય હોવાનો અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે સંબંધ ધરાવવાનું ગૌરવ અનુભવું છું.
'હું માત્ર એક પ્યાદું છું'
બાલીવુડ અભિનેત્રી પરેરાએ પોતાની નોટમાં લખ્યું છે કે, 'હું આ ગંદી રમતમાં માત્ર એક પ્યાદુ છું. ક્રિસનના ભાઈ કેવિન પરેરાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે અભિનેત્રી શુક્રવાર સુધીમાં ભારત પરત આવશે. ઈન્સ્ટાગ્રામ પર ક્રિસન સાથેના પરિવારનો ઈમોશનલ વિડિયો કોલ શેર કરતા કેવિને લખ્યું, 'ક્રિસન ઈઝ સેટ ફ્રી સેટ !!!.તે આગામી ૪૮ કલાકમાં ભારત આવી જશે.