અંબાણી પરિવારને ડરાવવાનો સચિન વાઝેનો ઈરાદો હતો
એન્ટિલિયા વિસ્ફોટક અને મનસુખ હિરેણ હત્યા કેસમાં નિરીક્ષણ
સચિન વાઝએ ધાક જમાવવા કાવતરું રચ્યું સાક્ષીદારો સાથે ચેડાં કરે તેવી શક્યતા છે એવી તેમના જામીન નકારતા ચુકાદામાં નોંધ
મુંબઈ : એન્ટિલિયા વિસ્ફોટક કેસ અને બિઝનેસમેન મનસુખ હિરેણની હત્યાના કેસમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી સચિન વાઝેને જામીન નકારતા આદેશમાં વિશેષ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે આરોપી અંબાણી પરિવારના મનમાં ભય નિર્માણ કરવા ઈચ્છતો હતો.
એન્ટિલિયા નજીક પાર્ક કરાયેલા વાહનમાં જીલેટિન સ્ટીક સાથે ડિટોનેટનર નહોતું પરંતુ આટલી વાત લોકોના મનમાં ભય ફેલાવવા પુરતી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
વિશેષ એનઆઈએ જજ એ. એમ. પાટીલે વાઝેને ૧૬ સપ્ટેમ્બરે જામીન નકાર્યા હતા જેનો આદેશ શુક્રવારે ઉપલબ્ધ થયો હતો.
હેરણની હત્યા પણ સુનિયોજીત કાવતરું હતું. કાયદામાંથી છટકવા ઘણી સાવચેતી લેવાઈ હતી. આ કોઈ સાદો આરોપ નથી. આવી સ્થિતિમાં જો અરજદારને જામીન પર મુક્ત કરાશે તો સાક્ષીદારો સાથે ચેડાં કરવાની શક્યતા રહેલી છે, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતુ.
સરકારી પક્ષની વાત જોતાં વાઝેઅ ધાક જમાવવા માટે કાવતરું ઘડયું હતું. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે હિરેણની એસયુવી લઈને એન્ટિલિયા સામે એક ચિઠ્ઠી અને જીલેટીન સ્ટિક સાથે પાર્ક કરવી અને ત્યાર બાદ હિરેણની હત્યા કરવી એ વાઝેની ફરજનો ભાગ નહોતો. વાઝે આ પ્રવૃત્તિ પોતાની ફરજનો ભાગ કઈ રીતે હતો એ વાતને લઈને ચુપ છે, પણ સરકારી કર્મચારી સામે કામ ચલાવવા પૂર્વ પરવનાગી મેળવવાને મુદ્દે લાભ માગે છે, એમ પણ કોર્ટે નોંધ્યું હતું.