સચિન તેંડુલકરના બોડીગાર્ડની વતનમાં સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છોડી આત્મહત્યા
આદિત્ય ઠાકરે અને સલમાનને ત્યાં પણ ડયુટી બજાવી ચૂક્યો હતો
જળગાવમાં મૂળ વતનમાં પરિવાર સાથે ગયો અને અંતિમ પગલું ભર્યું, કોઈ સ્યુસાઈડ નોટ ન મળી
મુંબઇ : ક્રિકેટર સચિન તેંડુલકરના નિવાસસ્થાને તૈનાત પોલીસ કોન્સ્ટેબલે જળગાવમાં તેના મૂળ વતનમાં આત્મહત્યા કરી હતી. પરિવારજનો ગઇકાલે રાતે ઘરમાં સૂતા હતા ત્યારે આ બોડીગાર્ડે સર્વિસ રિવોલ્વિરમાંથી પોતાને ગોળી મારી દીધી હતી. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી નથી તે ચોક્કસ કયા કારણથી હતાશ હતો એની તપાસ ચાલી રહી છે.
મૂળ જળગાવના જામનેરનો રહેવાસી પ્રકાશ ગોંવિદ કાપડે (ઉ.વ.૩૯) ૧૫ વર્ષ પહેલા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)માં જોડાયો હતો. હાલમાં મહારાષ્ટ્ર પોલીસના સ્પેશિયલ પ્રોટેકશન યુનિટ (એસપીયુ)માં ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે 'બાદરામાં સચિન તેંડુલકરના નિવાસસ્થાને ગયા વર્ષે તેને તૈનાત કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે કોન્સ્ટેબલ કાપડે પરિવાર સાથે તેના મૂળ વતન જામનેર આવ્યો હતો. બે દિવસ પહેલા પરિવાર સાથે શેગાંવ દેવદર્શન માટે ગયો હતો.
ગઇકાલે રાતે જમ્યા બાદ કુટુંબીજનો સૂતા હતા ત્યારે રાતે ૧.૩૦ વાગ્યે પ્રકાશ કાપડે ઘરના ઉપરના માળે આવેલી રૃમમાં ગયો હતો. તેણે સર્વિસ રિવૉલ્વરમાંથી કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ગોળીબારના અવાજથી તેના પરિવારજનો રૃમમાં દોડી આવ્યા હતા. કાપડેનો મૃતદેહ લોહીલુહણ હાલતમાં પડયોહતો.
આ બનાવની જાણ થતા જામનેર પોલીસ તપાસ માટે પહોંચી ગઇ હતી તેમણે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન ઘટના સ્થળ પરથી કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસે મૃતકના પરિવાર, પાડોશી સંબંધીની પૂછપરછ કરી રહી છે ત્યાર બાદ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં જોડાયા બાદ પ્રકાશ કાપડેને મોટી મોટી હસ્તીઓના બોડીગાર્ડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે આદિત્ય ઠાકરે, નારાયણ રાણે, છગન ભુજબળ, સલમાન ખાનને ત્યાં ડયુટી કરી હોવાનું કહેવાય છે. ગત વર્ષથી તે સચિન તેંડુલકરના નિવાસસ્થાને ફરજબજાવતો હતો. રજા પૂરી થતા આજે તે મુંબઇ આવવા નીકળવાનો હતો. પરંતુ તે પહેલા જ કાપડેએ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી હતી.