Get The App

દાઉદનાં મોતની અફવા ફરી ફેલાઈ, આ વખતે ઝેર અપાયાનો દાવો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
દાઉદનાં મોતની અફવા ફરી ફેલાઈ, આ વખતે ઝેર અપાયાનો દાવો 1 - image


પાક એજન્સીઓ મૌન, ભારતીય એજન્સીઓએ પણ સમર્થન ન આપ્યું

એક યુ ટયુબરે અફવા શરુ કરીઃ ઈમરાનની પાર્ટીની વર્ચ્યુઅલ મીટિંગના કારણે પાકમાં ઈન્ટરનેટ શટડાઉન થતાં બળતામાં ઘી હોમાયું

મુંબઈ : ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમનું મોત થયું હોવાની અફવાઓ સોશિયલ મીડિયા પર વધુ એક વખત ગાજી છે. આ વખતે એવી અફવા ચાલી છે કે તેને કોઈ નજીકના માણસે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઝેર આપી દીધું છે અને તે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. બાદમાં એવો દાવો થયો હતો કે દાઉદનું મોત થઈ ગયું છે અને તેનો મૃતદેહ હોસ્પિટલમાંથી બહાર લઈ જવાયો છે. જોકે, રાબેતા મુજબ પાકિસ્તાની એજન્સીઓ આ અફવા વિશે મૌન રહી છે. બીજી તરફ ભારતીય એજન્સીઓએ પણ દાઉદને ઝેર અપાયું હોવાની કે તેનું મોત નીપજી ચૂક્યું હોવાની અફવાને સમર્થન આપવાનો ઈનકાર કર્યો છે. 

 પાકિસ્તાનમાં ગઈકાલે ઈમરાન ખાનની તહેરીક એ ઈન્સાફ પાર્ટીની વર્ચ્યુઅલ રેલી હતી. તેના કારણે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ શટડાઉન થયું હતું. ખાસ કરીને ફેસબૂક, યુ ટયૂબ સહિતની સોશિયલ મીડિયા સાઈટ્સ બંધ થઈ ગયાં હતાં. આ દરમિયાન જ એક યુ ટયુબરે કરાચી હોસ્પિટલ બહાર શંકાસ્પદ ગતિવિધિઓનો ચિતાર આપીને એવો દાવો કર્યો હતો દાઉદ ઈબ્રાહિમને ઝેર આપી દેવામાં આવ્યું છે. તેના એક નજીકના માણસે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ઝેર આપી દીધું છે. આ ઝેર તેની રગેરગમાં પ્રસરી જતાં તેની હાલત ગંભીર છે. તેને કરાચીની એક હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ત્યાં એક ફલોર પર દાઉદ એકલો જ પેશન્ટ છે અને તે ફલોર પર ચુનંદા ડોક્ટરો અને સ્ટાફ તથા દાઉદના પરિવારજનો સિવાય કોઈનેય જવાની છૂટ નથી તેવો પણ દાવો થયો હતો. 

તે પછી ઈન્ટરનેટ પર અફવાઓનું વાવાઝોડું પ્રસર્યું હતું. છેલ્લા કેટલાક સમયમાં પાકિસ્તાનમાં રહેલા ભારતના કેટલાક મોસ્ટ વોન્ટેડ આતંકીઓની કોઈ અજાણ્યા માણસ દ્વારા હત્યાના એકથી વધુ બનાવો બન્યા છે. લોકોએ તેની સાથે દાઉદને ઝેર અપાયાની ઘટનાને પણ જોડી દીધી હતી. દાઉદ મૃત્યુ પામી ચૂક્યો હોવાના મેસેજીસ પણ સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા. 

બીજી તરફ પાકિસ્તાની મીડિયાએ દેશમાં ઈન્ટરનેટ શટડાઉનના સમાચારો પ્રગટ કર્યા છે પરંતુ દાઉદ વિશે તેમણ કોઈ ઉલ્લેખ કર્યો નથી. પાકિસ્તાને ક્યારેય દાઉદ પોતાના દેશમાં હોવાની વાત સ્વીકારી નથી આથી તેણે આ વખતે પણ દાઉદના મોતની અફવા સાચી છે કે ખોટી છે કે પછી દાઉદની શું હાલત છે ેત વિશે કશું કહેવાનું ટાળ્યું છે. 

જોકે, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓના સૂત્રોએ જણાવ્યુ ંહતું કે દાઉદને ઝેર અપાયા કે તેના મોતની અફવામાં કોઇ વજુદ હોય તેવું લાગતું નથી. આ અફવાને સમર્થન મળે તેવા કોઈ સંકેતો પાકિસ્તાનથી મળતા નથી.



Google NewsGoogle News