આજથી કર્મચારીઓની હડતાલને પગલે આરટીઓમાં કામગીરી ઠપ થશે
સતત 2 વર્ષથી રજૂઆત છતાં દાદ ન મળતાં નિર્ણય
ડ્રાઈવિંગ લાયસન્સ,વાહન રજિસ્ટ્રેશન સહિતના મહત્વનાં કામો ખોરવાતાં લોકોને ધક્કો પડશે
મુંબઈ : આવતીકાલથી મહારાષ્ટ્રના આરટીઓ કર્મચારીઓ બેમુદત હડતાળ પર જશે. કર્મચારીઓએ લાંબા સમયથી કરેલી માગણીઓ પૂરી કરવામાં ટ્રાન્સપોર્ટ કમિશનર નિષ્ફળ જતા કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. બે વર્ષથી પ્રશાસન અને કર્મચારીઓ વચ્ચે ઘણી બેઠકો થઈ અને શાબ્દિક ખાતરીઓ અપાઈ હોવા છતાં સમસ્યાઓ ઉકેલાઈ નથી.
રાજ્યના આરટીઓ કર્મચારીઓ મંગળવારથી હડતાળ પર ઉતરશે. પ્રશાસન- કર્મચારીઓ વચ્ચે તકરારનું કારણ એ છે કે મહેસૂલ વિભાગની ટ્રાન્સફર પોલીસીઓ અને ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓને હેન્ડલ કરવામાં થયેલા ફેરફારોથી કર્મચારીઓ નાખુશ થયા હતા. કર્મચારી યુનિયનની દલીલ પ્રમાણે આ મનસ્વી ફેરફારોમાં સ્પષ્ટતાનો અભાવ હોવાથી કર્મચારીઓમાં હતાશા પેદા થઈ છે. યુનિયન નેતાઓ સેક્રેટરી સુરેન્દ્ર સરતાપે અને પ્રમુખ પ્રકાશ પાટીલે યોગ્ય સંગઠનાત્મક માળખા અને કાલસ્કર કમિટિની ભલામણોના અમલીકરણની જરૃરિયાત વિશે અવાજ ઉઠાવ્યો છે. જેનો હેતુ કામગીરીને સુવ્યવસ્થિત કરવાનો છે.
સમિતિના અહેવાલ છતાં વરિષ્ઠતા અને ટ્રાન્સફર જેવા મહત્ત્વના મુદ્દાઓમાં કોઈ પ્રગતિ દેખાઈ નથી. સરતાપેએ જણાવ્યું હતું કે, અમે જ્યારે પણ ટ્રાન્સપોર્ટ કમિશનરને મળતા ત્યારે તેમણે શાબ્દિક વચનો જ આપ્યા હતા. કોઈપણ લેખિત નિર્ણયો અપાયા નથી. તાજેતરની બેઠકમાં પણ આવું જ બન્યું હતું. યુનિયને સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર અને એડીશનલ ચીફ સેક્રેટરીને તેમના હડતાળના નિર્ણયની ઔપચારિક જાણ કરી અને કહ્યું હતું કે તેમની માગણીઓ સ્વીકારીને લેખિતમાં નિર્ણય નહીં અપાય ત્યાં સુધી તેઓ હડતાળ પૂરી નહીં કરે. તેમની માગણીઓમાં વહીવટી કામો બહેતર સંકલનથી થાય તેનો પણ સમાવેશ થાય છે. આરટીઓ કર્મચારીઓની હડતાળથી રાજ્યમાં આરટીઓ સેવાઓ પર ભારે અસર પડશે. વાહનોના રજીસ્ટ્રેશન, લાયસન્સ મેળવવાની પ્રક્રિયા તથા અન્ય મહત્ત્વની સેવાઓમાં વિલંબ થશે.