સરકારી અનુદાન મેળવતાં જાહેર ટ્રસ્ટની સંસ્થાને આરટીઆઈ લાગુ પડેઃ હાઈકોર્ટ
વિરોધાભાસી ચુકાદાઓ બાદ બોમ્બે હાઈકોર્ટની નાગપુર ફુલ બેન્ચની સ્પષ્ટતા
માહિતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થા સંબંધી હોય અને સરકારનો આર્થિક ટેકો હોય તો માહિતી કમિશનરે માહિતી અપાવાનો નિર્દેશ આપી શકે
મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ થયેલું પબ્લિક ટ્રસ્ટ જ્યારે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા ચલાવતું હોય ત્યારે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી પૂરી પાડવાની તેની ફરજ છે, એમ બોમ્બે હાઈ કોર્ટની નાગપુરની ફુલ બેન્ચે સ્પષ્ટ કર્યું હતું.
વિસ્તૃત આદેશમાં ફુલ બેન્ચે જણાવ્યું હતું કે પબ્લિક ટ્રસ્ટ સંબંધી માહિતી માગવામાં આવી હોય તો માહિતી આપવાનું બંધનકારક નથી. જો ટ્રસ્ટ કોઈ સંસ્થાની માલિકી કે ભંડોળ ધરાવતું નહોય અને રાહતના દરે સરકાર પાસેથી જમીન મેળવી નહોય તો પણ માહિતી અપાવાનું બંધનકારક નથી. જો માગેલી માહિતી શિક્ષણ કે ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થા સંબંધી હોય અને જો સરકાર આર્થિક ટેકો આપતી હોય તો માહિતી કમિશનર સંસ્થાને માહિતી અપાવાનો નિર્દેશ આપી શકે છે.
ટ્રસ્ટ વિશે મેળવેલી માહિતી જો માહિતી અધિકાર કાયદાની કલમ આઠ (જે) હેઠળ આવતી હોય તો માહિતી આપવાનું ચેરિટી કમિશનર માટે પણ બંધનકારક નથી. જો માગેલી માહિતી કાયદાની કલમ આઠની બાકાત રખાયેલી શ્રેણીમાં અવાતી ન હોય તો ઓથોરિટી આવી માહિતી આપી શકે છે.
સરકારી અનુદાન પ્રાપ્ત કરતા અને શૈક્ષણિક સંસ્થા ચલાવતા ટ્રસ્ટ કે સોસાયટી માહિતી કાયદા હેઠળ પબ્લિક ઓથોરિટીની વ્યાખ્યામાં આવે કે નહીં એ બાબતે બોમ્બે હાઈ કોર્ટની વિવિધ ચુકાદામાં જુદા મંતવ્યો આવવાને લીધે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે માત્ર પગાર અને પગારેતર અનુદાન મેળવનારી શૈક્ષણિક સંસ્થા જો ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય તો તે શિક્ષણ સંસ્થાને મદદ કરવા રાજ્યની નીતિને લીધે અસ્તિત્વમાં છે અને તેને સરકાર દ્વારા અનુદાન મળતું હોવાથી ટ્રસ્ટ કહી શકાય નહીં.