બીએમસી મહિલા ડોક્ટર સાથે પોલીસના સ્વાંગમાં રૂ.7.33 લાખનો સાયબર ફ્રોડ
એરપોર્ટ પર ડોક્ટરના નામના પાર્સલમાં મેફેડ્રોન મળ્યું હોવાનું કહીને જાળમાં ફસાવ્યા
મુંબઈ: મહાનગરપાલિકાની કેઈએમ હોસ્પિટલના ૨૭ વર્ષીય મહિલા ડોક્ટર સાથે મુંબઈ પોલીસના અધિકારીના સ્વાંગમાં સાયબર ઠગ ટોળકીએ રૂ.૭.૩૩ લાખની છેતરપિંડી કરી હતી એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૫ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમ હેઠળ અજાણ્યા આરોપીઓ સામે કેસ દાખલ કરાયો છે. કેઈએમ હોસ્પિટલના ફરિયાદી ડોક્ટરે આરોપ કર્યો હતો કે 'તેને ૨૯ ફેબુ્રઆરીના અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ કુરિયર કંપનીના કર્મચારી તરીકે આપી હતી.
આરોપીએ ડોક્ટરને કહ્યું હતું કે 'મુંબઈ એરપોર્ટ પર તેના નામનું એક પાર્સલ મળ્યું છે. એમાં પાંચ પાસપોર્ટ, ત્રણ ક્રેડીટ કાર્ડ, ૧૪૦ મેફેડ્રોનની ગોળી, કપડા, એક લેપટોપ હતું. પછી કોલ સાયબર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેણે ડોક્ટરની પૂછપરછ કરી હતી. ત્યારે ડોક્ટરે પાર્સલ વિશેની જાણ ન હોવાનું કહ્યું હતું. આરોપીએ ડોક્ટરને પોલીસમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.
આરોપીએ પોલીસ અધિકારી હોવાનું દર્શાવીને ફરિયાદી સાથે વીડિયો કોલ કર્યો હતો. દરમિયાન ડોક્ટરે મુંબઈ પોલીસનો લોગો જોયો હતો.
વીડિયો કોલ પર ડોક્ટરને જાણ કરવામાં આવી હતી કે તેના નામે બેન્કમાં ઘણા ફેક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આ પૈસાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે કરવામાં આવ્યો હતો.
એફઆઈઆર મુજબ આરોપીએ ફરિયાદીને ડેપ્યુટી પોલીસ કમિશનર (સાયબર)ના લેટરહેડ પર નવી મુંબઈના કમિશનર મિલિંદ ભારમ્બેની બનાવટી સહીવાળો પત્ર પણ મોકલ્યો હતો. તેમજ ડોક્ટરને ભારતીય રિઝર્વ બેન્ક તરફ સૂચના મળશે એવી જાણ કરાઈ હતી.
ફરિયાદીને આરબીઆઈ તરફથી અજાણ્યા ફોન નંંબર પરથી સૂચના મળી હતી. એમાં એક કોડ હતો અને બેન્કમાં રૂ.૬.૮ લાખ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. આ રકમ બેન્ક ખાતામાાં જમા કરતા ગેંગની માહિતી મળી શકશે એવો દાવો આરોપીએ કર્યો હતો. ત્યારબાદ અડધા કલાકમાં પૈસા પરત કરવાની ડોક્ટરને ખાતરી આપવામાં આવી હતી.
ડોક્ટરે પત્રમાં ઉલ્લેખ કરાયેલા બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી. આરોપીએ પીડિતાને ક્લીનચીટ આપવા માટે તેના નામે એફીડેવીટ ફાઈલ કરવા માટે ફરીથી રૂ.૪૮,૮૦૦ ચૂકવવા કહ્યું હતું.
આમ છતાં ડોક્ટરને પૈસા પાછા મળ્યા ન હતા. છેવટે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ડોક્ટરે પોલીસમાં સંપર્ક કર્યો હતો.