ભાંડુપમાં નાકાબંધીમાં વાહનમાંથી રૂ.સાડા ત્રણ કરોડ રોકડ જપ્ત

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
ભાંડુપમાં નાકાબંધીમાં વાહનમાંથી રૂ.સાડા ત્રણ કરોડ રોકડ જપ્ત 1 - image


- ચૂંટણી પંચ દ્વારા ઈનકમટેક્સને જાણ કરાઈ

- એટીએમમાં રોકડ જમા કરાવવા જેવી વેન હતી પણ ડ્રાઈવર સંતોષકારક ખુલાસો ન આપી શક્યો

મુંબઈ : લોકસભાની ચૂંટણીના લીધે દેશભરમાં આચારસંહિતા લાગૂ કરવામાં આવી છે. ત્યારે પોલીસ અને ચૂંટણી પંચના અધિકારી સતર્ક બની ગયા છે ત્યારે ભાંડુપમાં ગઈકાલે રાતે નાકાબંધી દરમિયાન એક વાહનમાં અંદાજે રૂ.સાડા ત્રણ કરોડની રોકડ રકમ મળી આવી હોવાનું કહેવાય છે.

ગાડીના ડ્રાઈવર અને અન્ય વ્યક્તિએ રોકડ રકમ બાબતે સંતોષકારક જવાબ ન આપતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ પણ મામલાની તપાસ કરી રહી છે.

ભાંડુપમાં સોનાપુર સિગ્નલ પાસે ગઈકાલે રાતે ચૂંટણી પંચના ફલાઈંગ સ્કવોડ દ્વારા નાકાબંધી કરવ૩ામાં આવી હતી. અહીં શંકાસ્પદ વાહનોની તપાસણી કરવામાં આવી રહી હતી. ત્યારે એટીએમમાં રોકડ રકમ જમા કરતી વેન જેવી એક ગાડીને ચેક કરવામાં આવી હતી.

આ ગાડીમાં અંદાજે ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા હોવાનું કહેવાય છે. વેનનો ડ્રાઈવર, સિક્યુરિટી ગાર્ડ, અન્ય વ્યક્તિની રોકડ રકમ બાબતે પૂછપરછ કરાઈ હતી. પરંતુ તેઓ સમાધાનકારક સ્પષ્ટીકરણ આપી શક્યા નહોતા. આથી ચૂંટણી પંચે આ વેન ભાંડુપ પોલીસના તાબામાં સોંપી હતી.

પોલીસ સ્ટેશનમાં વેન લાવવામાં આવી હતી અને રોકડ રકમની કરાઈ હતી. બીજી તરફ ઈન્કમ ટેક્સ વિભાગને પણ બનાવની માહિતી આપવામાં આવી હતી.

આ રકમ ક્યાંથી લાવવામાં આવી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી એની તપાસ ચાલી રહી છે. ચૂંટણીમાં મતદારોને આકર્ષવા રોકડ રકમ અને અન્ય વસ્તુ આપવામાં આવતી હોય છે. આ પ્રકારની ઘટના રોકવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં ગત ૪૪ દિવસમાં ૪૪ કરોડની રોકડ રકમ પકડવામાં આવી છે. આ સિવાય ૬૯.૩૮ કરોડની કિંમતી વસ્તુ, ૩૫ લાખ લિટર દારૂ, અન્ય વસ્તુ સહિત રૂ.૪૩૧.૩૪ કરોડની માલમત્તા જપ્ત કરાઈ છે.


Google NewsGoogle News