રાજકોટના જ્વેલર સાથે ઈમિટેશન જ્વેલરી ડીલમાં રૃ.1.39 કરોડની છેતરપિંડી
લાંબા સમયના બિઝનેસ રિલેશન્સ બાદ વિશ્વાસઘાત
મુંબઈના બિઝનેસમેને 5.69 કરોડની ખરીદી કરી પરંતુ તેમાંથી 1.39 કરોડની રકમ ડૂબાડતાં પોલીસ ફરિયાદ
મુંબઈ - ગુજરાતના વેપારી પાસેથી ઈમિટેશન જ્વેલરી ખરીદી રૃ.૧.૩૯ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર પાયધુનીના એક બિઝનેસમેન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
પાયધુની પોલીસના જણાવ્યા મુજબ ગુજરાતના રાજકોટમાં ફરિયાદી અંકુર તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ભાઈ સાથે ઈમિટેશન જ્વેલરી બનાવવાનો વ્યવસાય કરે છે તેમની એક ફેકટરી પણ છે.
મુંબઈ અને ગુજરાતના વેપારીએ આ જ્વેલરી વેચે છે ે૮ વર્ષ પહેલાં અંકુરનો પરિચય પાયધુનીમાં અલ હિંદ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપનીના માલિક જયુઝર સાથે થયો હતો. ત્યારબાદ તેણે અંકુર પાસેથી ઈમિટેશન જ્વેલરી ખરીદી હતી તેણે એક મહિના પછી પૈસાની ચૂંકવણી કરી દીધી હતી. જેના કારણે અંકુરને તેમના પર વિશ્વાસ થઈ ગયો હતો.
૨૪ માર્ચ અને બીજી ઓગસ્ટ, ૨૦૨૨ દરમિયાન અંકુરની કંપનીએ જયુઝરની અને અન્ય કંપનીઓને રૃ.૫.૬૯ કરોડની જ્વેલરી વેચી હતી. પરંતુ વારંવાર વિનંતી કરવા છતાં જ્યુઝરે રૃ.૧.૩૯ કરોડની ચૂકવણા કરી નહોતી.
બીજી તરફ આરોપીએ જ્વેલરી વેચીને પેમેન્ટ મેળવી લીધું હોવાની અંકુરને જાણ થઈ હતી. તે જુદા જુદા કારણો જણાવીને અંકુરને પૈસા આપતો નહોતો. આથી જ્યુઝરે છેતરપિંડી કરી હોવાનું જણાતા અંકુરે તેની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.