ટ્રેનમાંથી પટકાતાં મોતના બનાવો વધતાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે આરપીએફ તૈનાત
વ્યાપક આક્રોશ બાદ રેલવે તંત્ર હાંફળું ફાફળું બન્યું
કસારા લોકલમાં ચાલુ ટ્રેને મર્ડરની ઘટના પછી લોકલના કોચીસમાં ધમાલ મચાવે તેવા તત્વો પર પણ નજર રાખવામાં આવશે
મુંબઇ : તાજેતરમાં મુંબઈ લોકલની સેન્ટ્રલ લાઈન પર ચાલુ ટ્રેનમાંથી પટકાતાં પ્રવાસીઓના મોતના કિસ્સા વધતાં ભારે આક્રોશ ફેલાયો છે. ઉપરાછાપરી બનેલા આવા બનાવોને પગલે હવે સેન્ટ્રલ રેલવેએ સ્ટેશનો તથા ટ્રેનોમાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે આરપીએફની મદદ લેવા માંડી છે. સીએસટથી પનવેલના હાર્બર રુટ તથા સીએસટીથી કલ્યાણના મેઈન રુટના મહત્તમ ભીડ ધરાવતાં સ્ટેશનોને અલગ તારવી ત્યાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે આરપીએફની અલાયદી ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તાજેતરમાં કસારા રુટ પર ચાલુ ટ્રેને એક મર્ડરની ઘટના બન્યા બાદ હવેથી ટ્રેનોના વિવિધ કોચમાં ધમાલિયા તત્વો પર નજર રાખવાનું પણ આરપીએફને જણાવાયું છે.
આરપીએફની ટીમોને દરવાજા પર લટકતા પ્રવાસીઓને નીચે ઉતરવાનું કહી તે પછીની ટ્રેન પકડવા સમજાવવા જણાવાયું છે. આરપીએફના જવાનો વિવિધ પ્લેટફોર્મ પર પણ તૈનાત રહેશે અને કોઈ કોચમાં એક હદથી વધારે ભીડ નથી થતીને તે સુનિશ્ચિત કરશે.
૨૮મી એપ્રિલના રોજ સીએસટી કસારા લોકલમાં નશામાં ધૂત યુવકોના જૂથ દ્વારા ૫૫ વર્ષના પુરુષ ઉપર હુમલાની ઘટના બની હતી. તેને પગલે ટ્રેનોમાં ધમાલિયા તત્વો પર પણ નજર રાખવાનું નક્કી કરાયું છે.
ત્યારપછી પ્રવસીઓને આરપીએફની આ ખાસ ટીમમાં ચારથી પાંચ જવાનોને તૈનાત કરાયા છે. તેઓ સવારે છથી રાતે દસ દરમિયાન જુદી જુદી ટ્રેનોમાં પ્રવાસ કરીને જ્યાં મહત્તમ ભીડ હોય તેવાં સ્ટેશનો પર પહોંચે છે. તેઓ પ્રવાસીઓને ધમકાવતા લોકો સામે કાર્યવાહી કરે છે. એક આરપીએફ ઓફિસરે જણાવ્યું હતું કે ૨૯મી એપ્રિલથી અમારી ટીમ કાર્યરત છે. તે દરમિયાન અમે કેટલાક શંકાસ્પદ રીતે ફરતા લોકોને સ્ટેશન પરિસરોમાંથી પકડીને આઇડી પ્રૂફ માગ્યા હતા. તેમની પાસે કોઇ જાતનો આઇડી કાર્ડ ન હતો. તેથી અમે તેમના બાયોમેટ્રિક સ્કેન લઇને અમારી સિસ્ટમમાં ઉમેર્યા છે. જેથી ભવિષ્યમાં કોઇ ઘટનામાં તપાસ વખતે આ સ્કેન અમને મદદરૃપ નીવડે. હાલમાં ૨૦૦ જેટલા આરપીએફ અધિકારીઓ ઇલેક્શન ડયુટીમાં વ્યસ્ત છે. તેઓ પાછા ફરે કે અમે ઝુંબેશને મોડીરાત અને પરોઢ સુધી લંબાવીશું.