રોહિત પવાર ફરી ઈડી સમક્ષ હાજર થતાં કલાકો સુધી પૂછપરછ
સ્ટેટ કો.ઓપ. બેન્ક કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ
એજન્સી કચેરી બહાર એનસીપીના કાર્યકરોનાં ટોળાં જામ્યાઃ શરદ પવારનાં પત્ની પણ નજીકની ઓફિસે હાજર
મુંબઇ : મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક (એમએસસીબી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એનસીપીના વિધાનસભ્ય અને પક્ષના વડા શરદ પવારના પૌત્ર રોહિત પવાર આજે ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ઓફિસમાં હાજર થયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
છેલ્લા ૧૦ દિવસમાં રોહિત પવારની બીજી વખત ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.
કર્જત-જામખેડના ૩૮ વર્ષીય વિધાનસભ્યની અગાઉ ૨૪ જાન્યુઆરીએ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઇડીની ઓફિસમાં આજે બપોરે ૧.૦૫ વાગ્યે રોહિત પવાર આવ્યા હતા. પરિવારના સભ્યો એજન્સીની ઓફિસ સુધી તેમની સાથે હતી. દરમિયાન શરદ પવારના પત્ની પ્રતિભા પવાર નજીકમાં આવેલા એનસીપીની ઓફિસમાં હાજર હતા.
એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુળે હાલમાં સંસદ સત્ર માટે નવી દિલ્હીમાં છે.
રાજ્યભરમાંથી આવેલા એનસીપીના સેંકડો કાર્યકરો અહીં પાર્ટીની ઓફિસ તેમ જ ઈડીની ઓફિસ નજીક ભેગા થયા હતા. એજન્સીએ રોહિત પવારને આપેલા સમન્સનો તેમણે વિરોધ કરતા આંદોલન કર્યું હતું.
ઈડીની ઓફિસની નજીક મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ઈડીની ઓફિસ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક મની લોન્ડરિંગના મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ઓગસ્ટ, ૨૦૧૯માં એફઆઇઆર નોંધી હતી.
અગાઉ ઈડીએ રોહિત પવારની માલિકીની કંપની બારામતી એગ્રો અને પુણે, ઓરંગાબાદ અન્ય કેટલાક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
બારામતી એગ્રો કંપની અને અન્ય બે કંપનીઓ ૨૦૧૨માં સુગર મિલની કથિત હરાજી અને બેન્કમાં શંકાસ્પદ વ્યવહાર સંબંધિત કેસમાં ઈડીના સ્કેનર હેઠળ હતા.
અગાઉ ૨૪ જાન્યુઆરીના ઈડીએ રોહિત પવારની લગભગ ૧૧ કલાક પૂછપરછ કરી હતી. તેમને ફરીથી ૧ ફેબુ્રઆરીમાં હાજર થવા સમન્સ આપ્યા હતા. ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિવસભરની પૂછપરછ બાદ રોહિત પવારે કહ્યું હતું કે એનસીપી હંમેશા સરકાર અને એજન્સીઓ સામે લડશે. મે ઈડીને તમામ જરૃરી દસ્તાવેજો સબમિટ કર્યા છે.