મુંબઈ એરપોર્ટ પર પણ લૂંટારા રીક્ષાવાળા પેધા પડયાઃ 106ને બદલે 3500 પડાવ્યા
યુએસથી આવેલા વિદ્યાર્થીને ધાકધમકી આપી રીતસર ખંડણી પડાવી
એરપોર્ટ પર ઉતરેલા વિદ્યાર્થી સમક્ષ દાદરમાં રીક્ષાની મનાઈ હોવાની વાત છૂપાવી ચેમ્બુર લઈ ગયો અને પોતાના સાગરિતને બોલાવ્યો
વિદ્યાર્થીએ ઉચ્ચ અધિકારીને ઈમેઈલ કર્યા બાદ પોલીસ દોડતી થઈઃ ઘાટકોપરથી ઝડપાયેલા રીક્ષાચાલકનો ગુન્હાઈત ભૂતકાળ
મુંબઈ : મુંબઈ એરપોર્ટ પર ઉતરતા પ્રવાસીઓ માટે ચેતવણીરુપ એક કિસ્સામાં અમેરિકાથી આવેલા સાંગલીના એક વિદ્યાર્થીને એક લૂંટારો રીક્ષાવાળો ભટકાઈ ગયો હતો. આ રીક્ષાવાળાએ દાદર રીક્ષા લઈ જવાની મંજૂરી નહિ હોવાની વાત છૂપાવી વિદ્યાર્થીને રીક્ષામાં બેસાડયો હતો. તેને ચેમ્બુરમાં અંતરિયાળ જગ્યાએ લઈ જઈ પોતાના સાગરિતને બોલાવી લૂંટી લીધો હતો. આ વિદ્યાર્થીએ એક ઉચ્ચ અધિકારીને ઈમેઈલ પર સમગ્ર હકીકત જણાવ્યા બાદ પોલીસ દોડતી થઈ હતી અને સહાર પોલીસે ગુનો દાખલ કરી ઘાટકોપરના આ રીક્ષાવાળાને ઝડપી લીધો છે. આ રીક્ષાવાળો ગુન્હાઈત ભૂતકાળ ધરાવતો હોવાનું કહેવાય છે.
મૂળ સાંગલીનો ૧૯ વર્ષીય વિદ્યાર્થી વિશ્વજીત પાટીલ રજાઓને લીધે અમેરિકાથી વતન પરત આવ્યો હતો. તે ૧૪મી ડિસેમ્બરે બપોરે દોઢ વાગ્યે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો હતો. બહાર નીકળીને તેણે રીક્ષા કરી હતી. વિશ્વજીતને ખબર જ ન હતી કે મુંબઈમાં દાદર વિસ્તારમા રીક્ષા ચલાવવાની મંજૂરી જ નથી. તેણે રીક્ષાવાળાને દાદર સ્ટેશન જવા કહ્યું હતું અને રીક્ષા ચાલક રીતેશ કદમે પણ રીક્ષા દાદર જતી નથી તે વાત તેનાથી છૂપાવી હતી.
કદમ રીક્ષાને ચેમ્બુર વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પોતાનું પોત પ્રકાશ્યું હતું. રીક્ષાના મીટર પર ૧૦૬ રુપિયા ભાડું થયું હોવાનું દર્શાવાતું હતું. પરંતુ, તેણે વિશ્વજીત પાસે ૩૫૦૦ રુપિયા માગ્યા હતા. વિશ્વજીતે વાંધો લેતાં તેણે તેને ધાકધમકી આપી હતી. તેણે પોતાના એક સાગરિતને પણ ત્યાં બોલાવી લીધો હતો. તેણે વિશ્વજીત પાસેથી એક હજાર રુપિયા રોકડા અને અઢી હજાર રુપિયા ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કરાવ્યા હતા.
વિદ્યાર્થીએ રીક્ષામાંથી ઉતરતાં પહેલાં તેની નંબર પ્લેટનો ફોટો લઈ લીધો હતો. તેણે સમગ્ર વિગતો મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારીને ઈમેઈલ કરીને જણાવી હતી. તે પછી પોલીસ દોડતી થઈ હતી. સહાર પોલીસે આ રીક્ષાચાલક સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ ૩૦૮ (૨) અને ૩૦૮ (૩) મુજબ ગુનો દાખલ કર્યો હતો. તા. ૧૭મી ડિસેમ્બરે પોલીસે ઘાટકોપરના લાલભઠ્ઠી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
પોલીસને શંકા છે કે રીક્ષાવાળા કદમે આ રીતે અન્ય પ્રવાસીઓને પણ છેતરીને ધાકધમકીથી મોટી રકમ પડાવી હોવાની શંકા છે. અગાઉ તે શસ્ત્રથી કોઈને ઈજા પહોંચાડવાના કેસમાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.