સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ પ્રકરણે કેન્દ્ર સ્થાને રહેલી રિયાનું નવા વર્ષે બોલીવુડમાં કમબેક
- દિગ્દર્શક રુમી જાફરીએ મુલાકાતમાં કરી જાહેરાત
મુંબઈ, તા. 31 ડિસેમ્બર 2020, ગુરુવાર
૨૦૨૦માં કોરોના મહામારી સાથે જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો કેસ સમાંતર ચર્ચામાં રહ્યો હતો. આ કેસમાં કેન્દ્ર સ્થાને રહેલી તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ પણ થઈ હતી અને ત્રણ પ્રકારની એજન્સીની તપાસનો તેણે સામનો કર્યો હતો.
આ કેસના ડ્રગ્સ પ્રકરણમાં હાલ જામીન પર છૂટેલી રિયા ચક્રવર્તી માટે ૨૦૨૧ની શરૂઆત સારા સમાચારથી થઈ રહી છે. નવા વર્ષના પ્રારંભમાં જ રિયા બોલીવુડમાં કમબેક કરી રહી છે. સુશાંત અને રિયાની નિકટની મિત્ર રુમી જાફરીએ એક મુલાકાતમાં આ માહિતી આપી છે.
દિગ્દર્શક અને લેખિકા રુમી જાફરીએ જણાવ્યું હતું કે દરેકની જેમ રિયાનું પણ ૨૦૨૦નું વર્ષ ખરાબ ગયું છે. આગામી વર્ષે તે બોલીવુડમાં પુનરાગમન કરી રહી છે. રિયાની જેલમાંથી મુક્તિ થઈ ત્યારે રુમીએ તેની મુલાકાત લીધી હતી અને તેને બોલીવુડમાં ફરી પાછા ફરવા જણાવ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂને બાંદરા ખાતે તેના નિવાસસ્થાને મૃતાવસ્થામાં મળ્યો હતો. આ પ્રકરણે સુશાંતના પિતાએ રિયા સામે તેમના પુત્રને આત્મહત્યા માટે પ્રેરવાની ફરિયાદ કરી હતી.
આ પ્રકરણ બાદમાં સીબીઆઈએ હસ્તગત કર્યું હતું. રાજપૂતના મૃત્યુ પ્રકરણની તપાસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો હતો. જેમાં રિયાની ધરપકડ થઈ હતી. એક મહિનો જેલવાસ ભોગવ્યા બાદ હાઈકોર્ટે ઓક્ટોબરમાં તેને જામીન પર મુક્ત કરી હતી. આ કેસમાં રિયાનો ભાઈ શૌવિક પણ પકડાયો હતો. શૌવિકને તાજેતરમાં વિશેષ કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે.