જળગાવમાં મંત્રીના ડ્રાઈવરે હોર્ન વગાડયાના મુદ્દે રમખાણઃકરફ્યૂ લાદવો પડયો
12 થી વધુ દુકાનો અને વાહનોને આગ ચંપીઃ ભારે પથ્થરમારો
કારમાં મંત્રી નહિ પણ તેમનાં પત્ની હતાં, ડ્રાઈવરે ભીડ ખસેડવા હોર્ન મારતાં ટોળું ઉશ્કેરાયું : શિંદે સેનાના કાર્યકરો પણ સામે આવી ગયા
મુંબઈ : મહારાષ્ટ્રના જળગાંવના પલાધિ ગામે રાજ્યના મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય ગુલાબરાવ પાટીલના ડ્રાઈવરે કારનું હોર્ન વગાડી ભીડને ખસેડવા પ્રયાસ કરતાં આ આ મુદ્દે તકરાર બાદ સ્થાનિક લોકો અને એકનાથ શિંદેની શિવસેનાના કાર્યકરો સામસામે આવી ગયા હતા. વાત વધી પડતાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેમાં ૧૫થી વધુ દુકાનો તથા વાહનોને આગ ચાંપવામાં આવી હતી અને પથ્થરમારો થયો હતો. સ્થિતિને કાબુમાં લેવા પોલીસે કરફ્યૂ લાદવો પડયો હતો.
હિંસામાં જાહેર સંપતિને ઘણુ નુકસાન થયું હતું. પોલીસે આશરે સાત લોકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે મંત્રીના કારના ડ્રાઈવર અને સ્થાનિકોના જૂથ વચ્ચે નજીવી બાબતે વિવાદ થતા પરિસ્થિતિ વણસી ગઈ હતી.
મંગળવારે રાતે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ગુલાબરાવ પાટીલની કાર પત્ની તથા અન્ય પરિવારજનોને લઈ પસાર થઈ હતી. આ વખતે કારમાં ખુદ ગુલાબરાવ હાજર ન હતા. રસ્તા પર ભારે ભીડ હોવાથી કારના ડ્રાઈવરે સામે ઉભેલી ભીડને ખસેડવા હોન વગાડયું હતું. તેણે લોકોને રસ્તો આપવા કહ્યું હતું.આ વખતે કાર એક યુવક સાથે ટકરાઈ હોવાનું કહેવાય છે. તેને પગલે બોલાચાલી અને બાદમાં મારામારી શરુ થઈ ગઈ હતી.
જોતજોતામાં એકઠાં થઈ ગયેલાં ટોળાંએ ડ્રાઈવર સાથે ે દુર્વ્યવહાર કર્યો હતો. બીજી તરફ ગુલાબરાવ પાટીલનાં પત્ની ટોળાં વચ્ચે ફસાયાં હોવાની વાત પ્રસરતાં શિવસેનાના સ્થાનિક કાર્યકરો પણ ઉમટી પડયા હતા. ટોળાંએ મંત્રીની કારની તોડફોડ કરી હતી અને ડ્રાઈવરને માર માર્યો હતો.
જોતજોતામાં બે જૂથ સામસામે આવી ગયાં હતાં. ૧૫-૨૦ દુકાનો, વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. આ બનાવની માહિતી મળતા સિનિયર પોલીસ ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસના પહોંચતા હુમલાખોરો નાસી છૂટયા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પરિસ્થિતિ થાળે પાડવા આજે પરોઢના ત્રણ વાગ્યાથી ગામમાં કરફ્યૂ લાદી દેવાયો હતો. કરફ્યૂ ૨૪ કલાક માટે લદાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ગામમાં ફાયર બ્રિગેડના વાહનોની સાથે વધારાના પોલીસ કર્મચારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, રીમોટ કન્ટ્રોલ પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી.
પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી આશરે સાતની ધરપકડ કરી છે. દુકાનો સહિત વાહનોને આગ લગાડનારા યુવકોની શોધકોળ કરવામાં આવી રહી છે.
ગુલાબરાવ પાટીલ હાલ મહારાષ્ટ્રમાં નવી રચાયેલી દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં જળ સંપત્તિ બાબતોના પ્રદાન છે. તેઓ જળગાંવ ગ્રામીણ વિસ્તારના વિધાનસભ્ય છે.