પરભણીમાં બંધારણની પ્રતિકૃતિ ખંડિત કરાતાં તોફાનો, આગચંપી, પથ્થરમારો
ટોળાએ ટ્રેન અટકાવી એન્જિન ડ્રાયવરને પણ ફટકાર્યો
મુંબઇ : મહારાષ્ટ્રના પરભણીમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતના બંધારણની પ્રતિકૃતિની તોડફોડ થયા બાદ ફાટી નીકળેલાં તોફોનો વકર્યાં છે. ઠેર ઠેર પથ્થરમારા અને તોડફોડના બનાવો બન્યા છે. તોફાનીઓનાં ટોળાંએ રેલ રોકો આંદોલન કરી લોકો પાયલોટ પર હુમલો પણ કર્યો હતો. પોલીસ અને દેખાવકારો સામસામે આવી જતાં પોલીસે ટોળાંને વિખેરવા ટિયરગેસ છોડવો પડયો હતો. તોફાનો વધુ ફેલાતાં અટકાવવા સમગ્ર શહેરમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ પાડી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
કલેક્ટરનો જમાવ બંધીના આદેશ, ઇન્ટરનેટસેવા સ્થગિત કરવામાં આવી ઃ તોફાનીઓને ભગાડવા પોલીસે ટિયરગેસના શેલ છોડયા
પરભણીમાં રેલવે સ્ટેશન પાસે જિલ્લા કલેક્ટરની ઓફિસ સામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે. આ પ્રતિમા પાસે બંધારણની એક પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યે એક માથા- ફરેલ વ્યક્તિએ બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરી હતી. આ સમયે ત્યાં હાજર અમૂક લોકોએ આ દ્રશ્ય જોયું હતું અને આ વ્યક્તિને માર-મારી પોલીસને હવાલે કર્યો હતો.
આ ઘટના બાદ ડો. આંબેડકરના અનુયાયીઓ રોષે ભરાયા હતા અને ઉગ્રજોરદાર દેખાવ કર્યા હતા. રોષે ભરાયેલા અમૂક આંદોલકોએ થોડા સમય માટે રેલ- રોકો પણ કર્યું હતું. તેમણે નંદીગ્રામ એક્સપ્રેસ અટકાવી હતી અને તેના લોકો પાયલોટને પણ માર માર્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી ઠેર- ઠેર હિંસાના બનાવો બન્યા હતા. દરમિયાન આ ઘટનાના વિરોધમાં આજે પરભણી બંધની હાકલ આપવામાં આવી હતી.
આજે મોટી સંખ્યામાં આંબેડકરના અનુયાયીઓ જિંતુર રોડ પર વિસાવા ફાટા પાસે ભેગા થયા હતા અને આક્રમક બની દુકાનોની તોડફોડ કરી હતી અને રસ્તા પરના વાહનોમાં આગ ચાંપી હતી. શહેરના અમૂક વિસ્તારમાં આંદોલનકારીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મહિલાઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો તેથી પોલીસ અને આંદોલકો સામ-સામે આવી ગયા હતા. પોલીસે તોફાનીઓને ભગાડવા ટિયરગેસના શેલ છોડયા હતા. જો કે આંદોલન અન્ય વિસ્તારમાં પણ ફેલાયું હતું અને હિંસક બની ગયું હતું. પોલીસે આંદોલકોને કાબૂમાં લેવા ઠેર- ઠેર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટરે જમાવબંધીનો આદેશ આપ્યો હતો અને આગમચેતીના ઉપાયરૃપે ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી હતી.
સવારે ટોળું જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા ગયું હતું. ત્યાંથી પાછા ફરતાં તેમણે દુકાનોના સાઈનબોર્ડ તથા સીસીટીવીની તોડફોડ કરી હતી અને બધો સામાન રસ્તા પૉર લાવી સળગાવ્યો હતો.
સાતથી આઠ સ્થળે આગચંપી
મુંબઇ, તા. ૧૧ ઃ આંદોલન દરમિયાન આંદોલનકારીઓ ે તોફાને ચડયા હતા અને ઠેર- ઠેર આગચંપી કરી હતી.. તોફાની ટોળાએ સાતથી આઠ સ્થળે આગ લગાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો વિવિધ સ્થળે ધસી ગઇ હતી અને આગને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ પોલીસે પરભણીમાં રસ્તા પર માર્ચ કાઢી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ નાંદેડ રેંજના આઇજી શહાજી ઉમપ શહેરમાં ધસી આવ્યા હતા અને ઠેર- ઠેર પોલીસ બંદોબસ્ત વધારવાના આદેશ આપ્યા હતા. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું ઉમપે સ્પષ્ટ કર્યું હતું.
મહિલાઓનાં ટોળાં દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં તોડફોડ
મુંબઇ, તા.૧૧ ઃઆજે મહિલા આંદોલનકારીઓનું એક ટોળું જિલ્લા કલેક્ટરની ઓફિસમાં ધસી ગયું હતું અને તોડફોડ કરી હતી. મહિલા આંદોલનકારીઓનાં ટોળાને આવતું જોઇ ત્યાં હાજર પોલીસ અને સુરક્ષા રક્ષકોએ ઓફિસનો ગેટ બંધ કરી દીધો હતો પણ નારાબાજી કરતી મહિલાઓ પોલીસ અને સુરક્ષા રક્ષકો સાથે બાખડી પડી હતી અને ગેટ ખોલી કલેક્ટરની ઓફિસમાં અંદર ધસી ગઇ હતી. મહિલાઓ આક્રમક બની જતા પોલીસ પણ લાચાર બની ગઈ હતી.