કુર્લામાં બેસ્ટની બસો બંધ કરાતાં રિક્ષાચાલકો દ્વારા પ્રવાસીઓની લૂંટ
ગોઝારા અકસ્માતની ટ્રેજેડીને રીક્ષાવાળાઓએ કમાણીનો અવસર બનાવ્યો
કુર્લાથી બીકેસી જવા માટે 130 રુપિયા, બાંદરા રેકમલેશન જવા 150થી 170 રુપિયા પડાવાય છે
મુંબઈ : કુર્લામાં બેસ્ટ બસના અક્સમાત બાદ કુર્લા રેલવે સ્ટેશનના પશ્ચિમ તરફ જતી બેસ્ટની બસોના રુટમાં બદલાવ કરવામાં આવ્યો છે. આને લીધે મંગળવારે અને આજે બુધવારે પણ નિર્ધારિત સ્થળે જવા માટે કોઈ બસ ઉપલબ્ધ ન હોતી. આ પરિસ્થિતિને રોકડી કરવાની તક રિક્ષા ચાલકોએ ઝડપી લીધી હતી. રિક્ષાવાળા મનમાની રીતે પ્રવાસીઓની રીતસર લૂંટ ચલાવી હતી. કુર્લા સ્ટેશનથી બીકેસી, મ્હાડા, બાંદ્રા રેક્લેમેશન અને બાંદરા સ્ટેશન સુધી મીટર પર જવાનો ઈનકાર કરી દીધો હતો અને મનમાની ભાડા વસૂલવાનું શરૃ કર્યું છે.
કુર્લા સ્ટેશનથી બીકેસી જવા માટે ૫.૫ કિ.મીના અંતર માટે રૃ. ૧૨૦થી ૧૩૦ ભાડું વસૂલવામાં આવે છે. મ્હાડા, બાંદરા સ્ટેશન, રેક્લેમેશન જવા ૧૫૦થી ૧૬૦નું ભાડું વસૂલવામાં આવે છે. નોકરીએ જનારા પ્રવાસીઓએ ના છૂટકે આટલી મોટી રકમ આપવી પડે છે. શેરે રિક્ષા ચાલકો ત્રણના બદલે પાંચ પ્રવાસી ભરીને લઈ જતા હોવાથી પ્રવાસીઓએ સખત નારાજી વ્યક્ત કરી છે.
અકસ્માતને લીધે કુર્લા પશ્ચિમના બેસ્ટ ડેપો પણ રાત્ર ેબંધ રખાયું હતું. બેસ્ટના અકસ્માતથી થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે તેમ નથી પરંતુ બેસ્ટે આ રીતે સેવા બંધ રાખીને પ્રવાસીઓને બાનમાં રાખવાનું યોગ્ય નથી. એકાદ દિવસ આવી વાત સમજી શકાય છે પણ રોજ આટલા પૈસા ખર્ચ કરવાનું પરવડતું નથી, એમ એક પ્રવાસીએ જણાવ્યું હતું.