ગોરાઈમાં જેટી પરથી રીક્ષા ખાડીમાં ખાબકીઃ ચાલકનું મોત
- લોકોએ રોકવા બૂમો પાડી છતાં દોડાવી ગયો
- કાંદિવલીના ડ્રાઈવરને અકસ્માત નહીં પરંતુ આત્મહત્યા હોવાની પોલીસને શંકા
મુંબઇ : બોરીવલીની ગોરાઇ જેટ્ટી પાસે શુક્રવારે મોડી રાત્રે એક અસામાન્ય ઘટના બની હતી. આ સમયે પૂરપાટ વેગે જેટ્ટી પરથી રિક્ષા ખાડીમાં ખાબકતા ડ્રાઇવરનું મોત થયું હતું. આ સંદર્ભે ત્યાં હાજર અમૂક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે અચાનક પૂરપાટ વેગે આવેલા ડ્રાઇવર રિક્ષા સાથે જેટ્ટી પરથી ખાડીમાં ખાબક્યો હતો. કોઇ કાંઇ સમજે તે પહેલા જ આંખના પલકારામાં આ ઘટના બની ગઇ હતી.
આ ઘટના બાદ ત્યાં હાજર સ્થાનિકો અને ફરજ બજાવતા પોલીસોએ આ ઘટનાની જાણ પોલીસ કન્ટ્રોલરૂમને કર્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો પણ આ દરમિયાન તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર શુક્રવારે રાત્રે ૧૦.૧૫ વાગ્યાની આસપાસ એક રિક્ષાચાલક જેટ્ટી તરફના ગેટ પરથી પૂરપાટવેગે રિક્ષા હંકારતો આવ્યો હતો. અહીં ફરજ પરના પોલીસકર્મીએ તેને આગળ જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે રોકાયો નહોતો અને કોઇ કાંઇ સમજે તે પહેલા જેટ્ટી પરથી રિક્ષા સહિત પાણીમાં ખાબક્યો હતો. અહીં હાજર લોકોએ તેને બચાવવા બૂમાબૂમ કરી મૂકી હતી પણ રાત્રે અંધારામાં કળણવાળી જમીનમાં પ્રવેશવા કોઇ તૈયાર થયું નહોતું.
દરમિયાન પોલીસકર્મીઓએ તરત જ આ વાતની જાણ કન્ટ્રોલરૂમને કરતા પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ એજન્સીઓની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે થોડા સમયબાદ રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી પણ એ દરમિયાન રિક્ષાચાલકનું મોત થઇ ગયું હતું.
બોરીવલી પોલીસના જણાવ્યાનુસાર રિક્ષા ચાલકનું નામ પ્રવિણ પાટકર હતું અને તે પરિવાર સાથે કાંદિવલી- ચારકોપ વિસ્તારમાં રહેતો હતો. પાટકરે આવું અંતિમ પગલું શા મ ાટે ભર્યું તે જાણી શકાયું નહોતું.