ફૂટપાથ પરથી બાળક ઉઠાવી જનારા રિક્ષા ડ્રાઈવર, ટેલરની ધરપકડ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
ફૂટપાથ પરથી બાળક ઉઠાવી જનારા રિક્ષા ડ્રાઈવર, ટેલરની ધરપકડ 1 - image


- ઉલ્હાસનગરમાં ટેલરના ઘરમાંથી બાળક મળ્યું

- કલ્યાણમાં વહેલી સવારે માતા ઊંઘતી હતી ત્યારે બાળક ઉઠાવી ગયાઃ બાળક વેચવાનો ઈરાદો હતો કે કેમ તે અંગે તપાસ

મુંબઈ : કલ્યાણમાં ૬ મહિનાના બાળકનું અપહરણ કરવાનો કેસ પોલીસે ૧૨ કલાકમાં ઉકેલી લીધો હતો. આ મામલામાં કિડનેપર રિક્ષા ડ્રાઈવર અને ટેલરની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ બાદ બાળકને ટેલરના ઘરમાં રાખવામાં આવ્યું હતું.  ઉલ્હાસનગરમાં આરોપીના ઘરમાંથી બાળકનો હેમખેમ છુટકારો કરવામાં આવ્યો હતો.

કલ્યાણ ઝોન-ટુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સચિન ગુંજલેએ જણાવ્યું હતું કે કલ્યાણમાં મુરબાજ રોડ પાસે કચરો ઉપાડનાર મહિલા તેના ૬ મહિનાના પુત્ર સાથે ફૂટપાથ પર સૂતી હતી.  ત્યારે વહેલી સવારે રિક્ષા ડ્રાઈવર દિનેશ ભૈયાલાલ સરોજ (ઉ.વ.૩૫)એ તેમના પર નજર રાખી બાળકનું અપહરણ કર્યું હતું.

બાળક ગાયબ હોવાનું જણાતા મહિલાએ ઓમએફસી પોલીસમાં  ફરિયાદ નોંધાવી હતી. પોલીસેે કલમ ૩૬૩ (અપહરણ) હેઠળ એફઆઈઆર નોંધી હતી. પોલીસની ૩ ટીમ બનાવીને  બાળકની શોધખોળ કરવામાં આવી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ ઈન્ટેલિજન્સ અને ટેકિનિકલ ઈનપુટસનાં આધારે રિક્ષા ડ્રાઈવરની  માહિતી મેળવી હતી. 

પોલીસે ડ્રાઈવરને પકડીને પૂછપરછ કરી હતી. તેણે બાળકના અપહરણનો ગુનો કબૂલ કર્યો હતો.

તેણે અન્ય આરોપી અંકિતકુમાર રાજેન્દ્રકુમાર પ્રજાપતિ (ઉ.વ.૨૫)ની ગુનામાં સંડોવણીની જાણ કરી હતી.

ઉલ્હાસનગરમાં રહેતા દરજી અંકિતકુમારને પણ પોલીસે ઝડપી લીધો હતો. તેના ઘરેથી બાળક મળી આવ્યું હતું.

પોલીસે આરોપીઓ સામે કલમ ૩૭૦, ૩૬૫ની ઉમેરી વધુ તપાસ આદરી છે. બાળકને તેના માતા-પિતાના તાબામાં સોંપી દેવામાં આવ્યું છે.

આરોપીઓ આ બાળક અન્ય કોઈને વેંચવા માગતા કે અન્ય કારણથી તેનું અપહરણ કર્યું હતું.  એની તપાસ પણ ચાલી રહી છે.



Google NewsGoogle News