લોકસભા ચૂંટણી ટાણે જ 11500 ગન લાયસન્સની સમીક્ષા પોલીસ માટે મુશ્કેલ

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી ટાણે જ 11500 ગન લાયસન્સની સમીક્ષા પોલીસ માટે મુશ્કેલ 1 - image


નેતાઓ, ઉદ્યોગપતિઓ, સિક્યુરિટી ગાર્ડઝના લાયસન્સ પણ તપાસાશેે

ઉલ્હાસનગર અને દહિંસર ફાયરિંગ બાદ ગન લાયસન્સની સમીક્ષાની જાહેરાત ગૃહ પ્રધાને કરી હતી પણ પોલીસ માટે અમલ પડકારજનક

મુંબઈ :  થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં અને મુંબઈના દહીસરમાં થયેલી ગોળીબારની ઘટના બાદ મુંબઈ પોલીસે જારી કરેલા ૧૧૫૦૦ ગન લાયસન્સની તપાસ હાથ ધરવાની સૂચના રાજ્યના ગૃહ પ્રધાન તથા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી છે. જોકે, મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એકાદ મહિનામાં જ લોકસભા ચૂંટણીને લગતો બંદોબસ્ત શરુ થઈ જવાની ધારણા છે. તેવા સંજોગોમાં આટલી મોટી સંખ્યામાં ગન લાયસન્સની સમીક્ષા બહુ મોટો પડકાર બની રહેશે.

ઉલ્હાસનગરમાં કલ્યાણના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ઉલ્હાસનગરના હિલલાઈન પોલીસ સ્ટેશનમાં શિંદે જૂથના કલ્યાણ પ્રમુખ મહેશ ગાયકવાડ પર ખુલ્લેઆમ ગોળીબાર કર્યા બાદ મુંબઈના દહીસરમાં પણ આવી જ એક ઘટનામાં શિવસેના (યુબીટી)ના પૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની ફેસબુક લાઈવ કરી મોરીસ નામના ગુંડાએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લીધે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

મુંબઈ પોલીસના સૂત્રોનુસાર કથિત હુમલાખોર મોરિસે જે ગનનો ઉપયોગ કર્યો તે તેના એક અંગરક્ષક અમરેન્દ્ર મિશ્રાની હોવાનું બહાર આવ્યું હતું તેથી પોલીસે મિશ્રાની ધરપકડ કરી હતી. મિશ્રાની આ લાયસન્સ ધરાવતી ગન હતી પણ તેનું લાયસન્સ ઉત્તર પ્રદેશ (યુપી)થી જારી કરવામાં આવ્યું હતું. જોકે આ ગનને મુંબઈમાં લાવી સાથે રાખવાની મિશ્રાની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

મુંબઈ અને ઉલ્હાસનગરની ઘટના બાદ થાણે પોલીસની જેમ મુંબઈ પોલીસે પણ ગન લાયસન્સની તપાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે.

પોલીસ હવે આવા લોકોની તપાસ હાથ ધરી રહી છે. જેમના પાસે ગન લાયસન્સ અને હથિયાર પણ છે. આ સંદર્ભે એક અધિકારી અનુસાર હાલ મુંબઈમાં ૧૧૫૦૦ લોકો પાસે વિવિધ પ્રકારના હથિયારોના લાયસન્સ છે. આ તમામ લોકોની તપાસ હાથ ધરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

જોકે એવું પણ જાણવા મળ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ તો આ તપાસ શક્ય લાગતી નથી. કારણ કે મુંબઈ પોલીસના મોટાભાગના કર્મચારીઓ આગામી સમયમાં ચૂંટણીની ડયુટીમાં લાગી જશે. આવી પરિસ્થિતિમાં તમામના ગન લાયસન્સની તપાસ કરી રિપોર્ટ બનાવવા બહુ પડકારજનક કહી શકાય.

આ સંદર્ભે વધુ વિગત આપતા એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે જે વ્યક્તિ ગન- લાયસન્સ ધરાવે છે અને તેનો કોઈ સાથે વિવાદ હોય તો તે વ્યક્તિની માનસિક સ્થિતિ કેવી છે, તે ડિપ્રેશન અર્થાત તણાવમાં તો નથી ને તેની સમીક્ષા કરવામાં આવશે. આ સિવાય જે- તે પોલીસ સ્ટેશન દ્વારા ગન લાયસન્સ ધરાવતા રાજકારણી, વેપારી- ઉદ્યોગપતિ, સિક્યોરિટી ગાર્ડ સહિત વિવિધ જે પણ લોકો હોય તેની નાની- મોટી તમામ વિગત કાઢવામાં આવશે.



Google NewsGoogle News