બદલાપુરનો બદલોઃ નરાધમ અક્ષય શિંદેનું એન્કાઉન્ટર
પોલીસ વેનમાં અક્ષયે રિવોલ્વર ઝૂંટવી ગોળીબાર કરતાં સ્વબચાવમાં પોલીસે છોડેલી ગોળીમાં માર્યો ગયો
તળોજા જેલથી થાણે લઈ જવાતો હતો ત્યારે મુમ્બ્રા બાયપાસ પાસે ફિલ્મ દ્રશ્યોઃ અક્ષયના ગોળીબારમાં એક પોલીસ અધિકારી ઘાયલ
પોલીસે સ્વબચાવમાં ગોળીઓ છોડતાં માર્યો ગયો હોવાનો સરકારનો દાવો
મુંબઈ : બદલાપુરની સ્કૂલમાં નર્સરીમાં ભણતી ચાર અને છ વર્ષીય બાળકીનું જાતીય શોષણ કરવાના ચકચારજનક કેસના આરોપી અક્ષય શિંદે આજે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. તળોજા જેલમાં રહેલા અક્ષયને તેની પત્નીએ નોંધાવેલી એક ફરિયાદ સંદર્ભમાં પ્રોડક્શન વોરંટ મેળવી પોલીસ વાનમાં થાણે તરફ લઈ જવાયો હતો. પોલીસે કરેલા દાવા મુજબ પોલીસ ટૂકડી તેને તપાસ માટે લઈ જઈ રહી હતી. ત્યારે મુમ્બ્રા બાયપાસ પાસે આજે સાંજે આશરે સાડા છ વાગ્યાના અરસામાં નરાધમ અક્ષય શિંદેએ પોલીસની રિવોલ્વર આંચકી ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા અક્ષયનું મોત થયું હતું. આ અથડામણ ગોળીબારના એક પોલીસ અધિકારી ઘાયલ થયો હતો. જોેકે, અક્ષયનું એન્કાઉન્ટર થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
બદલાપુરમાં ઓગસ્ટ મહિનામાં શાળાની બે બાળકીઓ પર સ્વીપર અક્ષયે તા. ૧૩મી ઓગસ્ટના જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસે તત્કળ ફરિયાદ નહીં નોંધતા ભારે ધમાલ થઈ હતી. પોલીસે મોડેથી ફરિયાદ નોંધ્યા બાદ તા. ૧૭મી ઓગસ્ટે તેની ધરપકડ થઈ હતી અને તેને રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો.
દરમિયાન આરોપી અક્ષય શિંદેની બીજી પત્નીએ તેના પર વિકૃત હોવાનો આરોપ કર્યો હતો. વર્ષ ૨૦૨૨માં અક્ષય બળજબરીથી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને મારપીટ કરતો હોવાનો આરોપ બીજી પત્નીએ કર્યો હતો. આ સંદર્ભમાં બોઈસર પોલીસ મથકે અક્ષય સામે ફરિયાદ નોંધાઈ હતી. આથી અક્ષયનું પ્રોડક્શન વોરન્ટ મેળવવામાં આવ્યું હતું.
નવી મુંબઈની તળોજા જેલમાંથી આજે સાંજે પોલીસની ટીમ અક્ષયને તાબામાં લઈ વેનમાં જઈ રહી હતી. વાનમાં અક્ષય ઉપરાંત ચાર પોલીસ કર્મચારીઓ હતો. થાણે- મુમ્બ્રા બાયપાસ પર પોલીસની વેન પહોંચી હતી. તે સમયે અક્ષયે પોલીસની રિવોલ્વર ઝૂંટવી લીધી હતી. તેણે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરે પર ગોળીબાર કર્યો હતો. અક્ષયે ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. દરમિયાન પોલીસે પોતાના બચાવમાં અક્ષય પર ફાયરિંગ કરી હતી. જેના કારણે અક્ષય અને પોલીસ અધિકારી બંને ઘાયલ થયા હતા. તેમને કલવાની સરકારી ી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે અક્ષયને મૃત ઘોષિત કર્યો હતો. જ્યારે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર નિલેશ મોરેને અક્ષયની ગોળીથી ઈજા પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હોવાનું જણાવાયું હતું.
શરૃઆતમાં અક્ષયે પોલીસની રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની ચર્ચા થઈ રહી હતી. જોકે બાદમાં પોલીસનું નિવેદન બહાર આવ્યા બાદ પોલીસની ગોળીથી જ અક્ષય માર્યો ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું.
સીએમ એકનાથ શિંદે તથા નાયબ સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે પોલીસે સ્વ બચાવમાં ગોળીબાર કરતાં શિંદે માર્યો ગયો છે.
ગઈ તા. ત્રીજી સપ્ટેમ્બરે બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને બદલાપુર કેસમાં એકદમ કડક કેસ બનાવવા માટે સૂચવ્યું હતું. હાઈકોર્ટે પોલીસને પબ્લિક પ્રેશરમાં આવી જઈ ઉતાવળે ચાર્જશીટ નહિ કરવા જણાવ્યું હતું.
હવે અક્ષય શિંદેનું એન્કાઉન્ટર થતાં સરકાર અને વિપક્ષ વચ્ચે નવી રાજકીય આક્ષેપબાજી શરુ થઈ છે.
મારો દીકરો ફટાકડો પણ ફોડી શકે નહિ, હવે અમને ઠાર કરો:અક્ષયની માતા
સવારે જ જેલમાં કાકા મળ્યા ત્યારે અક્ષયે કહ્યું હતું કે પોલીસ મારપીટ કરે છે
બદલાપુરમાં જાતીય શોષણના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટરને લઈને મૃતકની માતાએ પોલીસની કાર્યવાહીને લઈને ગંભીર આરોપ કર્યા છે.
'મારો પુત્ર પોલીસની બંદૂક આંચકી ગોળીબાર કરી શકે નહીં. અમને પણ ગોળી મારો. મારા પુત્ર માટે કોઈ કંઈ પણ કહે પરંતુ આવું કરી શકે નહીં. કામ પર જતી વખતે રસ્તો ઓળંગતી વખતે હું તેનો હાથ પકડતી હતી. કેમકે ગાડીઓની અવરજવરથી તે ગભરાઈ જતો હતો. તે ફટાકડા ફોડતા પણ ડરતો હતો. તે કેવી રીતે ગોળીબાર કરી શકે? મારા પુત્રને પૈસા લઈને મારી નાખવામાં આવ્યો છે. એવો આરોપ અક્ષયની માતાએ કર્યો હતો.
અક્ષયના કાકાએ જણાવ્યું હતું કે તળોજા જેલમાં હું સોમવારે તેનો મળ્યો હતો ત્યારે અક્ષયે કહ્યું હતું કે પોલીસ દરરોજ તેની મારપીટ કરે છે.
અક્ષયની એક પત્નીની પોલીસ ફરિયાદ જ તેના એન્કાઉન્ટરનું નિમિત્ત બની
બદલાપુરની ખાનગી સ્કૂલમાં નર્સરીમાં ભણતી બે વિદ્યાર્થિનીઓની સાથે શૌચાલયમાં દુષ્કૃત્ય કરનારા અક્ષયે ત્રણ લગ્ન કર્યા હતા. પરંતુ તે વિકૃત હોવાથી પત્નીઓએ કંટાળીને તેને છોડી દીધો હતો.
બદલાપુર પાસેના ખરઘઈની એક ચાલીમાં અક્ષય તેના માતા, પિતા, ભાઈ- ભાભી સાથે રહેતો હતો. નરાધમ અક્ષય મૂળ કર્ણાતકનો વતની છે. ૧૦મું ધોરણ ભણેલો આરોપી થોડા દિવસથી સ્કૂલમાં નોકરી કરતો હતો.
અક્ષયના જાતીય અત્યાચારો બાબતે તેની એક ભૂતપૂર્વ પત્ની એ જ નવી પોલીસ ફરિયાદ નોંધાવતાં તે સંદભામાં જ પોલીસ પ્રોડક્શન વોરન્ટ મેળવી તેને જેલમાંથી બહાર લાવી હતી અને ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું.