લોકેટ પરના ક્યુઆર કોડથી બાળકનું પરિવાર સાથે પુનઃમિલન
વરલીથી ભૂલમાં બેસ્ટની બસમાં બેસી કોલાબા પહોંચી ગયો
કોલાબા પોલીસે માનસિક પડકારો ધરાવતા બાળકે ગળામાં પહેરેલા લોકેટનો ક્યુઆર કોડ સ્કેન કરી પરિવારની વિગત મેળવી
મુંબઇ : વરલીથી ૧૨ વર્ષનો એક માનસિક પડકારો ધરાવતો કિશોર ભૂલથી બેસ્ટની બસમાં બેસી કોલાબા પહોંચી ગયો હતો. જો કે આ છોકરાના ગળામાં તેના પરિવારજનોએ ક્યુઆર કોર્ડ ધરાવતું લોકેટ પહેરેલું હોવાથી કોલાબા પોલીસે આ ક્યુઆર કોડ સ્કેન કરી તેના પરિવારજનોની વિગત મેળવો તેનું પુનર્મિલન પરિવાર સાથે કરાવ્યું હતું. પુત્ર ઘરમાં હેમખેમ આવી જતા તેના વાલીઓએ કોલાબા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર વિનાયક કોળી (૧૨) ગુરુવારે બપોરે વરલીના તેના નિવાસસ્થાન બહારથી ગુમ થઇ ગયો હતો. કોલાબા પોલીસને બેસ્ટની બસના એક કંડક્ટરનો કોલ આવ્યો હતો જેમાં તેમણે તેમની બસમાં એક કિશોર ે ભૂલથી બેસી ગયો હોવા બાબતની માહિતી પૂરી પાડી હતી. ત્યારબાદ આ કિશોરને પોલીસની એક ટીમ કોલાબા પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી. કિશોર માનસિક રીતે પડકારો ધરાવતો હોવાથી તે પોલીસને કોઈ ચોક્કસ માહિતી આપી શકયો ન હતો.
પોલીસે તેના ગળામાં ક્યુઆર કોડ જોયો હતો અને ચોક્કસ તેમા તેના પરિવાર સહિત તેનું સરનામું અને વાલીઓના ફોન હશે તેવું ધારી આ ક્યુઆર કોર્ડ સ્કેન કર્યો હતો. પોલીસની ધારણા સાચી પડી હતી અને તેના વિનાયકની જરૃરી વિગતો પોલીસને સહેલાઇથી મળી ગયા બાદ પોલીસે વિનાયકનું પુનર્મિલન તેના પરિવાર સાથે કરાવ્યું હતું.
આ બાબતે વધુ વિગત આપતા કોલાબા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કિશોર વરલીથી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ખોવાઇ ગયો હતો. તે કોલાબા પાસેના મ્યુઝિયમ વિસ્તારમાં એક બસમાં મળી આવતા કંડક્ટરે આ વાતની જાણ પોલીસની ૧૦૦ નંબરની હેલ્પ લાઇન પર કર્યા બાદ કોલાબા પોલીસની એક ટીમે રાત્રે આઠ વાગ્યે વિનાયકનો કબજો લીદો હતો અને તેને કોલાબા પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભાગ્યે જ તેનું નામ બોલી શકે છે. તે ખાસ જરૃરિયાતવાળો બાળક હોવાથી અમારી ટીમ તેને સુરક્ષીત રીતે પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી અને અમને તેના ગળામાં ક્યુઆર કોડ ધરાવતું લોકેટ નજરે પડતા અમે તે સ્કેન કરી તેના પરિવાર જનોની વિગત મેળવી તેનું પુનર્મિલન તેના પરિવારજનો સાથે કરાવ્યું હતું. આ સંદર્ભે માનસિક પડકારો ધરાવતા બાળકો માટે કાર્યરત એક સંસ્થાના અગ્રણી કાર્યકરે જણાવ્યું હતું કે ગુમ થયેલા માનસિક પડકાર ધરાવતા વ્યક્તિઓને શોધવા અને તેના પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડવા આ પ્રકારના ક્યુઆર કોડ વાળા લોકેટ ખૂબ જ ઉપયોગી થઇ પડે છે. ડિમેન્શિયા અને અલ્ઝાઇમરથી પિડાતા વ્યક્તિઓ માટે પણ આ લોકેટ ખૂબ જ ઉપયોગી છે.