વ્યક્તિ સ્વાતંત્ર્ય નાગરિકનો મૂળભૂત અધિકાર પર પીએમએલએ હેઠળના નિયંત્રણો સર્વોપરી નથી : હાઇકોર્ટ
અદાલતી કાર્યવાહીમાં ઘણું મોડું થશે તેમ કહી ૭૨ વર્ષીય આરોપીને બેંકફ્રોડ કેસમાં જામીન
આરોપીને મળવાપાત્ર સજામાંથી અડધાથી વધુ વર્ષ જેલમાં વીતાવ્યા છે
મુંબઇ: આર્ટિકલ-૨૧ હેઠળ સ્વાતંત્ર્યનો મૂળભૂત હક પર પીએમએલએ એક્ટ હેઠળની કડક શરતો સર્વોપરી નથી તેવું કહી બોમ્બે હાઇકોર્ટે ૭૨ વર્ષીય આરોપીને જામીન આપ્યા છે.
જામીન અરજી કરનારા સૂર્યાજી જાધવની કથિત બેંક ફ્રોડમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસની ટ્રાયલ થોડા સમયમાં પૂરી નહીં થશે અને કેન્સરથી પીડાઈ રહ્યા છે તેવું અવલોકન બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ માધવ જામદારે કહ્યું હતું.
જ્યારે આરોપીએ જેલની સજા લાંબા સમય સુધી ભોગવી છે અને અદાલતી કાર્યવાહીમાં વધુ પડતો વિલંબ થયો હોય છે ત્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ લાગુ પડતા નિયંત્રણો લાગુ પડતા નથી, તેવું જજે કહ્યું હતું. 'પીએમએલએના સેક્શન ૪૫ હેઠળની જોગવાઈઓ હોવા છતાં ભારતીય બંધારણની આર્ટિકલ ૨૧ હેઠળના હકનું ઉલ્લંધન થવું જોઈએ નહીં, તેવો આદેશ જસ્ટિસ જામદારે આપ્યો હતો.
આરોપીએ ગુનો કર્યો નથી તેવું માનવાની કોર્ટ પાસે પર્યાપ્ત સામગ્રી હોય અને / અથવા આરોપીની વય ૬૦ વર્ષથી વધુ હોય અથવા મહિલા અથવા બીમાર અથવા નબળી હાલત હોય તેવા કેસમાં જ જામીન આપી શકાય છે, તેવું પીએમએલએના સેક્શન ૪૫માં કહેવામાં આવ્યું છે.
નાગરિકના જીવન અને અંગત સ્વાતંત્ર્યનના મૂળભૂત અધિકારને આર્ટિકલ-૨૧ હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે.
પુણેસ્થિત શિવાજીરાવ ભોસલે સહકારી બેન્કમાં કથિત છેતરપિંડી માટે ઈડીએ માર્ચ ૨૦૨૧માં જાધવની ધરપકડ કરી હતી. નાણાંની ઉચાપત કરવાનું અને લોન આપવામાં છેતરપિંડી કરવાનો આરોપી અને અન્યો સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો.
લાંબા સમયથી જેલમાં હોવાથી અને અદાલતી કાર્યવાહીમાં વિલંબના કારણ આપીને જાધવે જામીન માટે વિનંતી કરી હતી.
૨૫૦થી વધુ સાક્ષીઓની ફરિયાદપક્ષ દ્વારા ઉલટતપાસ કરવાની દરખાસ્ત છે અને ટ્રાયલ શરૂ થઈ નથી તેવું અવલોકન કોર્ટે કર્યું હતું. જજે કહ્યું હતું કે આરોપીએ મળવાપાત્ર સજામાંથી અડધાથી વધુ વર્ષ જેલમાં કાપ્યા છે. આથી આરોપીના મૂળભૂત અધિકારને બચાવવા કોર્ટ જામીન આપી શકે છે અને તેમાં (પીએમએલએ હેઠળના) નિયંત્રણો અવરોધરૂપ બની નહીં શકે તેવું કોર્ટે કહ્યું હતું.
આરોપીની ઘણી મિલકત પર ઇડીએ ટાંચ મૂકી છે અને તેમાંથી કેટલીક મિલકત વેચીને ૬૦ કરોડ રૂપિયા પાછા મેળવ્યા છે તેવું અવલોકન કોર્ટે કર્યું હતું.
પાંચ લાખ રૂપિયાના બોન્ડ પર જાધવને જામીને આપતા કોર્ટે કહ્યું કે 'અરજદારની વય ૭૨ વર્ષથી છે અને કેન્સરથી પીડાઈ રહ્યા છે. તેમના ફરાર થવાનું કોઈ જોખમ દેખાતું નથી.'