પ્રદૂષણ અંગે જવાબ આપો, હાઈકોર્ટની પાલિકા, સરકાર, સીપીસીબીને તાકીદ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
પ્રદૂષણ અંગે જવાબ આપો, હાઈકોર્ટની પાલિકા, સરકાર, સીપીસીબીને તાકીદ 1 - image


શહેરનો એક પણ વિસ્તાર એવો નથી જ્યાં હવા શુદ્ધ હોય

વાયુ પ્રદૂષણના કેસમાં પીઆઈએલની સુનાવણીમાં હાઈકોર્ટે કહ્યુ, સ્થિતિ ગંભીર છે, અમે સ્વયં હસ્તક્ષેપ કરીએ છીએ

મુંબઈ :  શહેરમાં હવાની ગુણવત્તાના ઉતરતા આંકને લઈને બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દાની કોર્ટે સ્વેચ્છાએ  દખલ લીધી છે.

મુખ્ય ન્યા. ડી. કે. ઉપાધ્યાય અને ન્યા. આરિફ ડોક્ટરની બેન્ચે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર તથા મુંબઈ મહાપાલિકા તેમ જ રાજ્ય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી જવાબ મગાવ્યો છ.

 શહેરમાં હવાની ઉતરતી ગુણવત્તાને મુદ્દે શહેરના ત્રણ રહેવાસીઓે કરેલી જનહિત અરજી પર સુનાવણી ચાલી રહી હતી.  મુખ્ય ન્યાયમૂર્તિ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શહેરમાં એક પણ એવો વિસ્તાર નથી જ્યાં હવાની ગુણવત્તા સારી હોય. બધી જગ્યાએ હવાની ગુણવત્તાનો આંક રોજેરોજ નીચો જતો જાય છે. કોર્ટે સુનાવણી છઠ્ઠી નવેમ્બર પર રાખી છે.

'અમે વિસ્તૃત આદેશ આપીશું. અમે મુંબઈની હવાની ગુણવત્તાની સ્વેચ્છાએ દખલ લઈ રહ્યા છીએ,' એમ જણાવીને ઓથોરિટી દ્વારા શું પગલા ંલેવાયા છે એની જાણકારી કોર્ટે માગી છે.

અરજદાર અમર બબન ટીકે, આનંદ ઝા અને સંજય સુર્વેએ જનહિત અરજીમાં સરકાર અને પાલિકાને નિર્દેશ આપીને શહેરનું પ્રદૂષણ નિયંત્રણમાં લેવા કહેવાની દાદ માગી હતી અને હરીયાળી વધારવાના પગલાં લેવાની માગણી કરી હતી.

આડેધડ બાંધકામ પ્રવૃત્તિ હરીયાળીનો અભાવને લીધે રહેવાસીઓને ખાસ કરીને બાળકોના આરોગ્ય પર અવળી અસર પડી રહી હોવાનું અરજીમાં જણાવાયું છે.



Google NewsGoogle News