ન્યુ ઈન્ડિયા બેન્ક દ્વારા ચૂકવણી પર રિઝર્વ બેન્કનો પ્રતિબંધઃ ખાતેદારોના કરોડો રુપિયા ફસાયા
મૂડી પ્રવાહિતા ન જાળવતાં સેવિંગ્સ, કરંટ કે ડિપોઝિટની પણ ચૂકવણી નહિ
રિઝર્વ બેન્કે બોર્ડ પણ સુપરસીડ કરી દીધું ઃ મહારાષ્ટ્ર તથા ગુજરાના સુરતમાં કારોબાર ધરાવતી બેન્કની બ્રાન્ચો પર સવારથી હજારો ખાતેદારો ઉમટયાઃ બેન્કનાં શટર પાડી બંદોબસ્ત ગોઠવી દેવાયો
મુંબઈ - મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત ખાતે પણ શાખાઓ ધરાવતી મૂળ મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો ઓપરેટિવ બેન્ક પર આજે રિઝર્વ બેન્કે સેવિંગ્ઝ તથા કરંટ ખાતાં કે ડિપોઝિટ ખાતાંમાંથી પણ કોઈ પણ પ્રકારની રકમ ચૂકવવા પર નિયંત્રણો લાદી દેતાં બેન્કનાં લાખો ગ્રાહકો ભારે સંકટમાં મૂકાઈ ગયાં હતાં. સાથે સાથે રિઝર્વ બેન્કે ન્યૂ ઈન્ડિયા કો ઓપરેટિવ બેન્કનાં બોર્ડને પણ ૧૨ મહિના માટે સુપરસીડ કરી દઈ એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક કરી છે. બેન્કમાં નાણાં પ્રવાહિતાની સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવી રિઝર્વ બેન્કે બેન્ક ખાતાંમાંથી તથા થાપણોના ઉપાડ પર નિયંત્રણો લાદી દેતાં આજે વહેલી સવારથી જ બેન્કની તમામ શાખાઓ પર ખાતેદારોનાં ટોળાં ઉમટયાં હતાં. પોતાના નાણાં હાલ પૂરતાં ફસાઈ ગયાં હોવાનું જાણી અનેક ખાતેદારો ધુ્રસ્કે ધુ્રસ્કે રડયા હતા. કેટલાય ખાતેદારોએ બેન્કના સંચાલકો તથા સરકારી તંત્ર પણ આટલા સમયથી કેમ ઊંઘતું રહ્યું તે મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. રિઝર્વ બેન્કે હાલ છ મહિના પૂરતા પ્રતિબંધો લાદ્યા છ. જોકે, તેમાં ગમે ત્યારે ફેરફાર પણ થઈ શકે છે.
રિઝર્વ બેન્કે બેન્કનાં બોર્ડને સુપરસીડ કરી દઈ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતની એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્તિ કરી હતી. આ ઉપરાંત રિઝર્વ બેન્કે એક સલાહકાર સમિતિની નિયુક્તી પણ કરી છે. જેમાં એસબીઆઈના ભૂતપૂર્વ જનરલ મેનેજર રવિન્દ્ર સાપરા તથા અભિજિત દેશમુખનો સમાવેશ થાય છે.
રિઝર્વ બેન્ક દ્વારા નિયંત્રણો લાદી દેવાયાં હોવાની માહિતી મળતાં વહેલી સવારથી જ શાખાઓ પર ધસારો જોવા મળ્યો હતો. બેન્કને નવી ડિપોઝિટ સ્વીકારવા પર કે કોઈપણ ડિપોઝિટ પરત ચૂકવવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. બેન્કને કોઈ પણ પ્રકારની નાણાં ચૂકવણી પર પ્રતિબંધ ફરમાવાયો છે. જોકે, તે ડિપોઝિટ સામે લોન એડજેસ્ટમેન્ટ કરી શકશે. બેન્ક કર્મચારીઓના પગાર , મકાન ભાડાં તથા લાઈટ બિલ જેવા આવશ્યક ખર્ચા પણ કરી શકશે. બેન્કને કોઈ પણ પ્રકારની લોન કે ધિરાણ આપવા કે રિન્યૂ કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. બેન્ક હવે કોઈ નવી ડિપોઝિટ પણ નહીં સ્વીકારી શકે કે રિઝર્વ બેન્કની પૂર્વમંજૂરી વગર ધિરાણ પણ નહિ મેળવી શકે. રિઝર્વ બેન્ક સમયાંતરે બેન્કની નાણાં સ્થિતિની સમીક્ષા કરી આ નિયંત્રણોમાં ફેરફાર પણ કરી શકે છે એમ જણાવાયું છે.
રિઝર્વ બેન્કની યાદીમાં જણાવાયું હતું કે બેન્કની મૂડી પ્રવાહિતાની સ્થિતિ ચિંતાજનક હોવાથી બેન્કને સેવિંગ, કરંટ કે પછી ડિપોઝિટ ખાતાંમાંથી પણ કોઈ પણ પ્રકારના ઉપાડ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. લાયક ડિપોઝિટરોને ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) દ્વારા પાંચ લાખની મર્યાદા સુધીમાં ડિપોઝિટ પર વીમો મળી શકે છે.
ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક બંધ થવાને કારણે ગ્રાહકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. શુક્રવારે સવારે બેન્ક બંધ હોવાની જાણ થતાં વહેલી સવારથી જ બેન્કની વસઈ અને વિરાર શાખાઓ બહાર ગ્રાહકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે બેન્કની બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અમારા પૈસા નક્કી મળશે કે નહીં? જેવા અનેક સવાલો લઈને ગ્રાહકો ભારે ચિંતિત થઈ ગયા હતા. તેમ જ નારાજ મહિલા ગ્રાહકોએ પોતાનો ગુસ્સો બેન્ક કર્મચારીઓ પર ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ બેન્કમાં મોટી સંખ્યામાં ગુજરાતી, જૈન ગ્રાહકોના પણ અકાઉન્ટ હોવાનું જાણવા મળ્યું હતું.
ગુરુવારે સાંજે રિઝર્વ બેન્કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર નિયંત્રણો લાદી દીધા છે. જેના કારણે બેન્કના ગ્રાહકોમાં ખળભળાટ મચી ગયો છે. વસઈના પારનાકા અને વિરારમાં વિરાટ નગર ખાતે બેન્ક શાખાઓ આવેલી છે. આ વાતની જાણ થતાં સેંકડો ગ્રાહકો બેન્કની બહાર એકઠા થઈ ગયા હતા અનેએના કારણે તણાવ સર્જાયો હતો. એથી સુરક્ષાના ભાગરૃપે પોલીસે બન્ને શાખાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમ જ બેન્ક કર્મચારીઓ ગ્રાહકોના રોષનો સામનો કરતા જોવા મળ્યા હતા.