રાયગઢના કિલ્લા પર ફસાયેલા પર્યટકોનું રેસ્ક્યુ, 1 યુવક તણાયો

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
રાયગઢના કિલ્લા પર  ફસાયેલા પર્યટકોનું રેસ્ક્યુ, 1 યુવક તણાયો 1 - image


અચાનક જ ધોધના પાણી પગથિયાં પરથી વહેવા લાગ્યાં

હવે 31મી માર્ચ સુધી ફોર્ટ પ્રવાસીઓ માટે બંધ : કિલ્લાના બે મોટા દરવાજા બેરીકેડ ગોઠવી બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

મુંબઇ :  રાયગઢ જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિને લીધે રાયગઢ કિલ્લામાં પર્યટકો અને ટ્રેકરો ભારે વરસાદમાં ફસાયા બાદ આજથી પ્રશાસને રાયગઢ કિલ્લો પર્યટકો માટે બંધ કરી દીધો છે. આ કિલ્લા પર  હવે પર્યટકો માટે ૩૧ જુલાઇ સુધી બંધી ફરમાવી દેવામાં આવી છે. રવિવારે ભારે વરસાદમાં અનેક પર્યટકો  ટ્રેકરો ફસાઇ ગયા હતા અને એક  પર્યટક તો વરસાદના પાણીમાં વહી ગયો હતો. ત્યાર બાદ પ્રશાસને તાત્કાલિક આ નિર્ણય લીધો હતો. પ્રશાસને પગથીયા માર્ગ સાથે જ ગઢ પર જવા માટે રોપ-વે પણ બંધ કરી દીધો છે.

આ ઉપરાંત રાયગઢ કિલ્લા પર પગપાળા જઇ શકાતા ચિત્ત દરવાજા અને નાણે દરવાજાને બેરિકેડીંગ કરી બંધ કરવામાં આવ્યા બાદ અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અતિવૃષ્ટિને લીધે કિલ્લામાં ફરાયેલા લોકોને રોપ-વેની મદદથી ગઢ પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. રાયગઢના કિલ્લા પરથી તમામ પર્યટકો ટ્રેકરો સુખરૃપ બહાર આવી ગયા બાદ રોપ-વે પણ બંધ કરી મૂકવામાં આવશે તેવી પ્રશાસને સ્પષ્ટતા કરી હતી.

રવિવારે અને સોમવારે વહેલી સ વાર સુધી રાયગઢમાં અમૂક વિસ્તારોમાં વાદળ ફાટયા હોય તેવી અતિવૃષ્ટિ  થઇ હતી. ભારે વરસાદને લીધે આ વિસ્તારની નદીઓ બે કાંઠે વહેવા માંડી હતી. રાયગઢ કિલ્લા પર પણ ભારે વરસાદને લીધે સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. અહીંના મહા દરવાજા પરથી રીતસર પાણીનો ધોધ પડી રહ્યો હતો જેમાંથી જીવ બચાવવા અમૂક લોકો ભારે જહેમત ઉઠાવતા જોવા મળ્યા હતા. એક વાયરલ વીડિયોમાં  પણ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા અન્યો દોડી આવતા નજરે પડે છે. કિલ્લાના પગથીયા પરથી ફસાયેલા લોકોને નીચે ઉતારવા પણ જીવલેણ બની ગયું હતું. ભારે વરસાદને લીધે સેંકડો પર્યટકો અહીં ફસાઇ ગયા હતા. અંતે સ્થાનિકોએ અને પ્રશાસન તેમજ પોલીસે ભારે જહેમત બાદ બધાને સલામત રીતે બહાર કાઢ્યાહતા.

આ સાથે જ પ્રશાસને જનતાને જાહેર આવહાન કરી ભારે વરસાદમાં ગઢ કિલ્લા વિસ્તારમાં આવવાનું જોખમ ન લેવાની વિનંતી કરી હતી. આ સાથે જ પ્રશાસને પર્યટકો અને ટ્રેકરો અન્ય માર્ગેથી કિલ્લામાં ન પ્રવેશી જાય તે માટે આ વિસ્તારમાં ૨૪ કલાક પોલીસ પહેરો ગોઠવવનું નક્કી કર્યું છે.



Google NewsGoogle News