થાણેમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
મોડી રાતે આગ લાગતાં ફાયરબ્રિગેડે ઓફિસોના દરવાજા તોડયા
16 માળની બિલ્ડિંગના 11માં માળે એક ટ્રસ્ટની ઓફિસમાંથી આગ પ્રસરી : 5 કલાકે કાબૂમાં આવી
મુંબઇ : થાણેમાં ૧૬ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ગઇકાલે રાતે આગ ફાટી નીકળી હતી. દરમિયાન આંખના ક્લિનિકમાં નવ દર્દી અને પ્રજનન કેન્દ્રમાં અન્ય એકને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડે અંદાજે પાંચ કલાકે આગ પર નિયંત્રણ મેળવી લીધું હતું. સદ્ભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નહોતી. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે.
થાણે (પશ્ચિમ) સ્થિત ખોપટ ખાતે કેડબરી જંકશન નજીક ૧૬ માળના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ૧૧મા માળે એખ ટ્રસ્ટની ઓફિસમાં ગઇકાલે રાતે ૧૧ વાગ્યે આગ લાગી હતી. ત્યાર બાદ આખી બિલ્ડિંગમાં ધુમાડો પ્રસરી ગયો હતો. એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ કહ્યું હતું.
આગની માહિતી મળ્યા બાદ ફાયરબ્રિગેડ, થાણે ડિસ્ટ્રિક્ટ રેસ્ક્યુ ફોર્સ, પાલિકા ડિઝાસ્ટરના કર્મચારીઓ રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી ગયા હતા.
બિલ્ડિંગની તમામ ઓફિસ રાતના બંધ હતી. સાતમાં માળે આંખના ક્લિનિક અન ફર્ટિલિટી સેન્ટરમાં આરવાર લઇ રહેલા કુલ ૧૦ દર્દીને બચાવી બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ટ્રસ્ટની ઓફિસમાં આગ લાગી તે પણ બંધ હોવાથી ફાયરબ્રિગેડની મુશ્કેલી વધી ગઇ હતી. ફાયર ફાઇટરોએ આગ ઓલવવા માટે ઓફિસ ખોલવા ખાસ સાધનોનો ઉપયોગ કર્યો હતો છેવટે આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યે આગ બૂઝાવવામાં આવી હતી.
આગમાં ટ્રસ્ટની ઓફિસ સંપૂર્ણપણે સળગીને ખાખ થઇ ગઇ હતી આગ ચોક્કસ કેવી રીતે લાગી એની તપાસ ચાલી રહી છે.