વિખ્યાત લોકગાયિકા અને પદ્મભૂષણ વિજેતા શારદા સિંહાનું અવસાન
બિહારની કોકિલાને જનતાની ભાવભીની વિદાય
છઠ પૂજાના ગીતો માટે વધુ પ્રસિદ્ધ સિંહાનું અવસાન પર્વના પ્રથમ દિવસે થતા તેમના ચાહકો ભાવુક થયા
બિહારની કોકિલા તરીકે ઓળખાતી પ્રસિદ્ધ લોક ગાયિકા શારદા સિંહાનું કેન્સર સામેની લાંબી લડાઈ પછી ૭૨ વર્ષની વયે અવસાન થયું છે. 'કાર્તિક માસ ઈજોરિયા' જેવા છઠ પૂજાના આઈકોનિક ગીતો અને 'તાર બીજલી' તેમજ 'બાબુલ' જેવા બોલીવૂડ હિટ માટે પ્રસિદ્ધ સિંહા સમગ્ર દેશમાં ભોજપુરી, મૈથિલી અને માઘાહી લોક પરંપરાને લોકપ્રિય બનાવવા માટે જાણીતી હતી. તેમના અંતિમ દિવસો એઈમ્સ-દિલ્હીમાં વીત્યા હતા જ્યાં તેઓ ૨૦૧૭થી મલ્ટીપલ માયેલોમાની સારવાર લઈ રહ્યા હતા. બીમાર હોવા છતાં સિંહાએ અવસાનના થોડા દિવસ અગાઉ જ છઠ પૂજા ગીત 'દુખવા મિટાયે છઠ્ઠી મૈયા' ગીત રજૂ કર્યું હતું. બિહારમાં જન્મેલા સિંહા તેમની જન્મભૂમિ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ લોકપ્રિય હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ અને ગાયક સોનુ નિગમ સહિત અન્ય અગ્રણીઓએ સિંહાને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ભારતીય સંગીતને તેમના અમૂલ્ય ફાળા માટે બિરદાવ્યા હતા. મોદીએ તેમના અવસાનને મહત્વની ખોટ તરીકે ગણાવ્યું હતું અને છઠ ઉત્સવ સાથે તેમના ગીતોના ચિરકાલીન જોડાણ પર ભાર મુક્યો હતો.
શાહએ બિહારની લોક પરંપરાને મુખ્ય પ્રવાહમાં લાવવામાં તેમના અદ્વિતીય પ્રભાવને બિરદાવ્યો હતો, ખાસ કરીને છઠ પૂજાના સમાનાર્થી અવાજ તરીકે તેમની ઓળખની પ્રશંસા કરી હતી.
બિહારના સાંસ્કૃતિક વારસા સાથે તેમના અવાજને આદર આપનારા તેમના ચાહકો માટે છઠ પૂજાના પ્રથમ દિવસે સિંહાના અવસાનથી ભાવનાત્મક કરુણતાનો એક વધુ સ્તર ઉમેરાયો હતો. તેમના પુત્ર અંશુમાને જણાવ્યું કે તેમના મૃતદેહને અંતિમ ક્રિયા માટે પટણા લઈ જવામાં આવશે.
દિવંગત ગાયિકાના પુત્ર અંશુમાને સિંહાને મરણોત્તર પદ્મ વિભૂષણ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે સિંહાનો ફાળો બિહારની સરહદો ઓળંગીને સમગ્ર દેશમાં ફેલાયો હતો. સિંહાને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ મળ્યા હોવા છતાં અંશુમાનના મતે તેમના યોગદાનની દ્રષ્ટિએ તેઓ પદ્મ વિભૂષણને લાયક હતા.