બ્યૂટીફિકેશન માટે બજેટ મળ્યું ત્યારે ફૂટપાથોની યાદ આવી મુંબઇમાંથી ગુમ થઈ ગયેલી ફૂટપાથો શોધવા મહાપાલિકાનો સર્વે
ગાયબ ફૂટપાથો શોધવા મહાનગરપાલિકા જીઆઇએસ મેપિંગ સિસ્ટમનો ઉપયોગ કરશેઃ ભાળ મળ્યા પછી સ્ટ્રીટ ફર્નિચરનું પ્લાનિંગ થશે
મુંબઇ : મુંબઇમાં એક જમાનામાં કહેવત હતી કે રોટલો મળે પણ ઓટલો ન મળે. આજે આ કહેવતનું સ્વરૃપ બદલાયું છે, મુંબઇમાં મોટાં રોડ મળે પણ ફૂટપાથ શૌધી ન જડે. મુંબઇ મહાનગરપાલિકાને મોડે મોડે પણ ફૂટપાથોનો ખ્યાલ આવ્યો છે અને હવે મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓ પરથી ગુમ થઇ ગયેલી ફૂટપાથોને શોધી તેને સુશોભિત બનાવવાની યોજના ઘડી છે.
મુંબઇ મહાનગરપાલિકાએ સોળ સપ્ટેમ્બરે મુંબઇને સુશોભિત બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી. મહાનગરપાલિકા ત્રણ મહિનામાં મુંબઇને રૃપાળું બનાવવા માંગે છે. આયોજના હેઠળ મુંબઇની ગાયબ થઇ ગયેલી ફૂટપાથોનો પત્તો મેળવવા માટે એક સર્વે શરૃ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઇને સુશોભિત કરવાની યોજનામાં ફૂટપાથોને સુધારવાનો મુદ્દો મુખ્ય છે. રાહદારીઓની સવલત માટે ફૂટપાથોને બહેતર બનાવવા પર આ યોજનામાં ભાર મુકવામાં આવશે.
શહેરની ગાયબ થઇ ગયેલી ફૂટપાથોને શોધવા માટે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ખાસ કામગીરી શરૃ કરવામાં આવી છે. જેમાં જીઆઇએસ મેપિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને મુંબઇની ફૂટપાથોના નેટવર્કનું એક વર્ચ્યુઅલ આલ્બમ બનાવવામાં આવશે. એ પછી ગુમ થયેલી ફૂટપાથોનો પત્તો મેળવવા માટે નકશા સાથે તેને મિલાવવામાં આવશે. આમ બંને બાબતોને મિલાવવાથી ગુમ થયેલી ફૂટપાથોનો પત્તો લાગશે. એકવાર ફૂટપાથોનો પત્તો લાગે અને તે પૂરતી પહોળી હશે તો તેના પર સ્ટ્રીટ ફર્નિચર મુકી તેને સુશોભિત કરવાની મહાનગરપાલિકાની ૧૭૦૦ કરોડ રૃપિયાની યોજના છે.