ઇસ્માઇલી ખોજા સમુદાયના ધાર્મિક નેતા નામદાર આગાખાનનું 88 વર્ષે નિધન
શિયા ઇસ્માઇલી મુસ્લિમોના ૪૯મા ઇમામ કરીમ અલ હુસૈની આગાખાનના નિધનથી શોક છવાયો
અનેક દેશોનું નાગરિકત્વ ધરાવનાર નામદાર આગાખાન તેમના સખાવતી વિકાસ કાર્યો માટે દુનિયાભરમાં વિખ્યાત
મુંબઇ - ઇસ્માઇલી શિયા મુસ્લિમ સમુદાયના આધ્યાત્મિક નેતા અને વિકાસ કામો માટે આખી દુુનિયામાં જાણીતાં નામદાર કરીમ અલ હુસૈની આગાખાનનું ૮૮ વર્ષની વયે પોર્ટુંગલના પાટનગર લિસ્બનમાં નિધન થયું છે. આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કના જણાવ્યા અનુસાર ઇસ્માઇલી પરંપરા અનુસાર તેમના વારસદારોમાંથી એકની પસંદગી તેમના અનુગામી તરીકે ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમના પરિવારમાં ત્રણ પુત્રો અને એક પુત્રી તથા સંખ્યાબંધ પૌત્રોનો સમાવેશ થાય છે. તેમને લિસ્બનમાં દફનાવવામાં આવશે. નામદાર આગાખાનના નિધનના સમાચારને પગલે ગુજરાત અને દુનિયાભરના ઇસ્માઇલી ખોજા સમુદાયમાં શોકની લહેર ફેલાઇ ગઇ હતી. ગુજરાતમાં ખોજાઓ વેપારી કોમ તરીકે સુસ્થાપિત છે.
નામદાર આગાખાનનો જન્મ ૧૩ ડિસેમ્બર ૧૯૩૬માં જિનિવા માં થયો હતો. ે તેમનું બાળપણ કેન્યાના નાઇરોબી શહેરમાં વીત્યું હતું. તેઓ બાદમાં સ્વિત્ઝરલેન્ડ પાછાં ફર્યાં હતા.જ્યાં તેમણે લા રોઝરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. એ પછી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇસ્લામિક ઇતિહાસનો અભ્યાસ કરવા યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકા ગયા હતા. ૧૯૫૭માં તેમના દાદા સર સુલતાન મહોમ્મદ શાહ આગાખાનનું નિધન થયું ત્યારે ૨૦ વર્ષની વયે તેઓ શિયા ઇસ્લામની એક શાખા ઇસ્માઇલી મુસ્લિમોના ઇમામ બન્યા હતા. ઇસ્લામિક સંસ્કૃતિ અને મૂલ્યોના સંરક્ષક આગાખાને મુસ્લિમ સમાજ અને પશ્ચિમના સમાજ વચ્ચે સેતુનું કામ કર્યું હતું. તેઓ કદી રાજકારણમાં સામેલ થયા નહોતાં.
આગાખાને વૈભવી જીવન ભોગવ્યું હતું. તેઓ ખાનગી જેટ વિમાનો, સુપરયોટ્સ અને બહામામાં ખાનગી ટાપુના માલિક પણ હતા. તેમની પાસે બ્રિટિશ, ફ્રેન્ચ, સ્વિસ અને પોર્ચુંગીઝ નાગરિકત્વ હતું. આગાખાનના જીવનનો મોટો હિસ્સો ફ્રાન્સમાં વીત્યો હતો. તાજેતરના વર્ષોમાં તેઓ પોર્ટુગલમાં સ્થાયી થયા હતા. તેમનું ડેવલપમેન્ટ નેટવર્ક અને ફાઉન્ડેશન સ્વિત્ઝરલેન્ડ સ્થિત છે.
તેઓએ આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક-એકેડીએન-ની સ્થાપના કરી હતી અને તેના તેઓ આજીવન અધ્યક્ષ રહ્યા હતા. આ સખાવતી નેટવર્ક મુખ્યત્વે આરોગ્ય, ગૃહનિર્માણ, શિક્ષણ અને ગ્રામીણ આર્થિક વિકાસના ક્ષેત્રમાં કામ કરે છે. ૩૦ કરતાં વધારે દેશોમાં કામ કરતાં આ નેટવર્કમાં ૯૬,૦૦૦ લોકો કામ કરે છે અને તેનુ વિકાસકાર્યોનું વાર્ષિક બજેટ એક અબજ ડોલર્સનું મનાય છે. આ નેટવર્ક આફ્રિકા અને એશિયાના ગરીબ વિસ્તારોમાં શાળાઓ અને હોસ્પિટલો બાંધવામાં સહાય કરે છે.