ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નીતા અંબાણી અને મુકેશ અંબાણી, US રાષ્ટ્રપતિ સાથે કરશે ડિનર
Donald Trump Inauguration: 20 જાન્યુઆરી 2025એ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વભરના મોટા નેતાઓ હાજરી આપશે. આ દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી પણ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
કાર્યક્રમના આયોજન સાથે સંકળાયેલા એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, શપથ ગ્રહણ સમારોહમાં અંબાણી કપલને એક મહત્વપૂર્ણ સ્થાન મળશે. તેઓ ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યો અને નવા ચૂંટાયેલા અધિકારીઓ સહિત અન્ય મહેમાનો સાથે સ્ટેજ પર બેસશે.
ટ્રમ્પ સાથે કેન્ડલ લાઇટ ડિનર કરશે
આ સિવાય કેબિનેટનો એક સ્વાગત સમારોહ અને ઉપરાષ્ટ્રપતિનું ડિનર પણ યોજાશે, જેમાં અંબાણી પરિવાર સામેલ થશે. નીતા અને મુકેશ અંબાણી 19 જાન્યુઆરીની રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે કેન્ડલ લાઇટ ડિનરમાં સામેલ થશે.
વર્જિનિયામાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ
શપથ ગ્રહણ સમારોહ વર્જિનિયાના ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ ખાતે યોજાશે. જ્યાં સ્વાગત અને આતશબાજીના પ્રદર્શનથી સમારોહ શરૂ થશે.
દિગ્ગજો રહેશે ઉપસ્થિત
ANIના અનુસાર, આ સમારોહમાં દુનિયાભરની અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ થશે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી ગેસ્ટ લિસ્ટમાં એક મુખ્ય નામ છે. આ સિવાય ઇલોન મસ્ક, જેફ બેઝોસ, માર્ક ઝુકરબર્ગ અને ફ્રાન્સના ઉદ્યોગપતિ જેવિયર નીલ પોતાની પત્ની સાથે આ સમારોહમાં ભાગ લશે. માર્ક ઝુકરબર્ગ શપથ ગ્રહણ પ્રસંગે બ્લેક-ટાઈ રિસેપ્શનનું આયોજન કરશે, જેમાં અંબાણી પરિવાર પણ હાજરી આપે તેવી શક્યતા છે.
વિદેશ મંત્રી એસ.જયશંકર પણ હાજરી આપશે
ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સહિત ક્વાડના વિદેશ મંત્રી પણ શપથ ગ્રહણમાં સામેલ થશે, જ્યારે જાપાની વિદેશ મંત્રી તાકેશી ઇવાયાને પણ આવવાની પુષ્ટિ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી બનશે રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા તેઓ 2017 થી 2021 વચ્ચે અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળી ચૂક્યા છે.