મેરેજની પ્રપોઝલ ઠૂકરાવતાં યુવતીનું ગળું બ્લેડથી ચીરી નાખ્યું
દક્ષિણ મુંબઈના માથાફરેલ પ્રેમીનું કૃત્ય
યુવતીની ચીસો સાંભળી દોડેલા પડોશીઓએ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડીઃ ડ્રાઈવર પ્રેમીની ધરપકડ
મુંબઇ : દક્ષિણ મુંબઇના કાલાચોકી વિસ્તારમાં એક માથાફરેલ પ્રેમીએ પચ્ચીસ વર્ષીય યુવતીનું બ્લેડથી ગળું ચીરી નાંખ્યું હતું. આ મહિલાએ લગ્નનો પ્રસ્તાવ નકારી ેતા અપમાનિત થયાનું અનુભવતા શખસે મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો.
મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત ગંભીર છે. આ સંદર્ભે પોલીસે ડ્રાઇવર તરીકે કામ કરતા ૪૪ વર્ષના આરોપીની ધરપકડ કરી છે. આરોપી આ જ વિસ્તારના પરશુરામ નગરનો રહેવાસી છે.
આ સંદર્ભે વધુ વિગત આપતા પોલીસના જણાવ્યાનુંસાર આરોપી એક વર્ષથી મહિલા સાથે સંબંધમાં હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેણે તેના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. સોમવારે રાત્રે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને મહિલાએ અમૂક લોકોની હાજરીમાં તેનું અપમાન કર્યું હતું.
આ વાતથી અપમાનિત થયો હોવાની લાગણી અનુભવતો આરોપી રોષે ભરાયો હતો. મંગળવારે બપોરે આરોપી મહિલાના ઘરમાં ઘુસી ગયો હતો અને કથિત રીતે બ્લેડ વડે મહિલાનું ગળું ચીરી નાંખ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી મહિલા હેબતાઇ ગઇ હતી અને તેની મદદ માટેની બૂમો સાંભળી આસપાસમાં રહેતા પાડોશીઓ સહિત અન્યો મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન આરોપી ઘટનાસ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક કેઇએમ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાની સારવાર ચાલી રહી છે પણ હજીસુધી તે બેભાન છે આ ઘટના બાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસની ટીમ બનાવવામાં આવી હતી અને મંગળવારે રાત્રે આરોપીને પરશુરામ નગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિરૃદ્ધ આઇપીસીની કલમ ૩૭૦ (હત્યાના પ્રયાસ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.