શારીરિક સંબંધનો નકારતાં પ્રેમિએ પ્રેમિકાની હત્યા કરીને મૃતદેહ પર બળાત્કાર ગુજાર્યો
- પીડીતાના ફોન કોલ રેકોર્ડના આધારે પોલીસે કેસ ઉકેલ્યો
- ડ્રિંક પાર્ટી બાદ મહિલા પાસેથી આ માંગણી કરાઈ હતી જેમાં ઈનકાર કરતાં બનેલી ઘટનામાં યુવકની ધરપકડ
મુંબઈ : નાગપુરમાં ૩૨ વર્ષીય મહિલાએ તેના ૨૫ વર્ષીય પ્રેમીને શારીરીક સંબંધ બાંધવાનો ઈનકાર કરતા પ્રેમીએ પીડીતાનું ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. આ બાદ પ્રેમિકાના મૃતદેહ પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની પુત્રી શાળાએથી ઘરે પરત ફરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આ મામલે ૨૫ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ૩૨ વર્ષીય સંજના (નામ બદલ્યુ છે) નાગપુરમાં હુડકેશ્વર ખુર્દમાં તેના પરિવાર સાથે રહેતી હતી. સંજના મૂળ મધ્યપ્રદેશની રહેવાસી હતી અને છ વર્ષ પહેલા કામની શોધમાં તેના પતિ સાથે નાગપુરમાં આવી હતી.
નાગપુરમાં પીડીતાનો પતિ એક ઢાબા પર રસોઈયા તરીકે કામ કરે છેે. તો તેની પુત્રી સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે. પીડીતાનો પતિ સવારે ઢાબા પર ગયા બાદ રાત્રે ૧ વાગ્યે ઘરે આવતો હતો. તેથી સંજના ઘરે એકલી રહેતી હોવાથી તેને દારુની લત લાગી ગઈ હતી.
આરોપી ૨૫ વર્ષીય રોહિત ટેકમ એક બાંધકામ કારીગર તરીકે કામ કરતો હોવાથી બે વર્ષ પહેલાં તે હુડકેશ્વર ખુર્દમાં એક ઈમારતનું બાંધકામનું કામ કરવા અહીં આવ્યો હતો. તે સમયે સંજના અને રોહિત વચ્ચે ઓળખાણ થઈ હતી અને બંને મોબાઈલ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આ બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથીસંજનાનો પતિ કામ પર હોવાથી રોહિત હંમેશા તેને મળવા ઘરે આવતો જતો રહેતો હતો. ઘટના સમયે પણ સંજનાનો પતિ કામ પર ગયો હતો.
તેથી સંજનાએ રોહિતને ફોન કર્યો હતો અને તેને બપોરે ઘરે બોલાવ્યો હતો. આ બાદ રોહિત તેનું કામ છોડીને સંજનાને ઘરે ગયો હતો. આ સમયે સંજનાએ રોહિત પાસે દારુ પણ મંગાવ્યો હતો. તેથી રોહિત દારુની બોટલ લઈને સંજનાના ઘરે પહોંચ્યો હતો. આ બાદ બંનેએ ડ્રિંક પાર્ટી કરી હતી અને ભોજન કર્યું હતું.
ડ્રિંક પાર્ટી બાદ રોહિતે સંજના પાસે શારીરીક સંબંધની માંગણી કરી હતી. જો કે, સંજનાએ તેને ના પાડી દીધી હતી. આનાથી ગુસ્સે થયેલા રોહિતે મને ઘરે કેમ બોલાવ્યો એમ કહીને સંજનાને માર માર્યો હતો. મારપીટ છતાં સંજનાએ આ બાબતે ઈનકાર કરતા અંતે રોહિતે કપડા વડે સંજનાનું ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. આ બાદ રોહિતે સંજનાના મૃતદેહ સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
હત્યા બાદ સાંજે સંજનાની પુત્રી શાળાએથી ઘરે પરત ફરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ બાદ બાળકીએ ચીસા ચીસ કરી મૂકી હતી. જેથી પાડોશી તરત જ એકઠા થઈ ગયા હતા અને તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વધુમાં મેડિકલ રિપોર્ટમાં મૃતદેહ પર બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસે આ મામલે સંજનાના મોબાઈલ ફોનના કોલ રેકોર્ડિંગના દ્વારા આ હત્યાનો મામલો ઉકેલ્યો હતો. આ બાદ ૨૫ વર્ષીય રોહિતની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં રોહિતે હત્યા અને બળાત્કારની કબૂલાત કરી હતી. પોલીસે આ મામલે રોહિત સામે હત્યાનો કેસ નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.