Get The App

સલમાનના ઘરે 3 વાર રેકી કરી હતી, 5 રાઉન્ડ ફાયરિંગ થયું

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
સલમાનના ઘરે 3 વાર રેકી કરી હતી, 5 રાઉન્ડ ફાયરિંગ થયું 1 - image


કચ્છથી ઝડપાયેલા બંને શૂટર્સને 10 દિવસના પોલીસ રિમાન્ડ

કાવતરાંની વિગતો મેળવવા તથા  સૂત્રધારનો પતો મેળવવા કસ્ટડીમાં પૂછપરછ જરુરી હોવાની દલીલ સાથે રિમાન્ડની માંગ

મુંબઈ :    બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાનના બાંદરાના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગના ચકચારજનક કેસમાં ગુજરાતના ભુજ જિલ્લામાંથી બે આરોપી વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી છે.બંને શૂટરે ત્રણ વાર સલમાનના ઘરની 'રેકી' કરી હતી.આરોપીઓએ કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પર ગોળીબારની જવાબદારી સ્વિકારી હતી,એમ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર લક્ષ્મી ગૌતમે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું 

       બંને શૂટર વિકી ગુપ્તા (ઉં. વ.૨૪) અને સાગર પાલ (ઉં.વ.૨૧)  રવિવારે વહેલી સવારે બાંદરા વિસ્તારમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની કરી ભાગી ગયા હતા. ગુજરાતના કચ્છ જિલ્લાના માતાના મઢ ગામમાંથી સોમવારે મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

     બંને આરોપીને મુંબઈ લાવવામાં આવ્યા હતા અને મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

     આ કાવતરાની વિગતો મેળવવા અને ફાયરિંગની ઘટના પાછળના મુખ્ય સૂત્રધારને ઓળખવા માટે તેમની કસ્ટડીમાં પૂછપરછ જરૃરી છે એવું જણાવી  ક્રાઈમ બ્રાન્ચે  બંને આરોપીની ૧૪ દિવસની કસ્ટડીની માંગણી કરી હતી.

   કોર્ટે બંને આરોપીઓની દસ દિવસ (૨૫ એપ્રિલ સુધી) પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

     ગત રવિવારે સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ એક મોટરસાઇકલ પર આવેલા બે શખસે ૫૮ વર્ષીય સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો અને ત્યાંથી ભાગી ગયા હતા.

     પોલીસ અધિકારીએ  જણાવ્યું કે આરોપી સાગર પાલ અને વિકી ગુપ્તાને સીસીટીવી કેમેરા અને અન્ય ટકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રેસ કરવામાં આવ્યા હતા. ગોળીબાર સમયે અભિનેતા અને તેના માતા-પિતા ઘરમાં ઊંઘતા હતા અને આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

    ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ ફેસબુક પર પોસ્ટ કરી હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું, સલમાન ખાન, અમને હળવાશથી ના લેવા જોઈએ. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે.આ ફક્ત ટ્રેલર છે.હવે પછી  ઘર પર ગોળીબાર કરવામાં આવશે નહિ.

   આમ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.

પનવેલથી બાંદરા સલમાનના ઘરની રેકી કરવા આવતા હતા

નદીમાં પિસ્તાલ ફેંકી દીધી હોવાના દાવા અંગે પોલીસને શંકા 

પનવેલમાં ભાંડાના ઘરમાં બાવીસ દિવસ સુધી આરોપીઓ રોકાયા હતા. સલમાન ખાનનું પનવેલમાં ફાર્મ હાઉસ છે. 

પનવેલમાં હરિગ્રામ ખાતે ભાડાના ઘરમાં રહેતા બંને શૂટરે ત્રણ વખત સલમાનના ઘરની રેકી કરી હતી. તેઓ પનવેલથી રેકી કરવા  બાંદરા આવતા હતા. આમ તેમણે સલમાનની અને તેના ઘરની માહિતી મેળવી હતી.

પનવેલમાં ભાડા પર ઘર લેતી વખતે આરોપીઓએ એગ્રીમેન્ટ કર્યું  નહોતું. તેમણે ભાડા માટે ૨૫ થી ૩૦ હજાર નક્કી કર્યા હતા. તે સિવાય આરોપીઓએ રૃા.૨૪ હજારમાં ગુનામાં ઉપયોગમાં લીધેલી બાઇક ખરીદી હોવાનું કહેવાય છે. તેમણે બાઇકની પૂરી રકમ ચૂકવી ન હોવાનું જાણવા મળ્યું છે.

શૂટર પાસેથી પિસ્તોલ મળી નથી આ પિસ્તોલ ગુનામાં મહત્વનો પુરાવો છે. પોલીસ પિસ્તોલની શોધખોળ કરી રહી છે. ગુજરાતની નદીમાં પિસ્તોલ ફેંકી દીધી હોવાનું કહેવાય છે. પરંતુ ખરેખર આરોપીઓએ પિસ્તોલ નદીમાં ફેકી છે કે અન્ય કોઇ સ્થળે એની તપાસ હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News