ઈદે મિલાદમાં ડીજે, લેઝરના વપરાશના વિરોધમાં તત્કાળ સુનાવણીનો ઈનકાર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ઈદે મિલાદમાં ડીજે, લેઝરના વપરાશના વિરોધમાં તત્કાળ સુનાવણીનો ઈનકાર 1 - image


પુણેના 3 વેપારીઓની અરજી પર હાઈકોર્ટે રાહત નકારી

અરજદારો ગણેશોત્સવની જેમ ઈદ માટે પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે રજૂઆત કરી શકતા હોવાની સલાહ 

મુંબઈ : આગામી ઈદ મિલાદે ઉન નબીના સરઘસ દરમ્યાન ડીજે, ડાન્સ, મ્યુઝીક અને લેઝર લાઈટના વપરાશ પર બંધી ઈચ્છતી જનહિત અરજી પર બોમ્બે હાઈ કોર્ટે તાકીદે સુનાવણી કરવાનો ઈનકાર કર્યો છે.

ઈદે મિલાદ સોમવારે ૧૬ સપ્ટેમ્બરે હોવાથી આ અરજીની તાકીદે સુનાવણી લેવાની અરજદારના  વકીલે કરેલી વિનંતીને મુખ્ય ન્યા. દેવેન્દ્ર કુમાર  ઉપાધ્યાયની બેન્ચે ઈનકાર કર્યો હતો. ગણેશચતુર્થી દરમ્યાન ડીજે અને બીમ લાઈટ પર બંધી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી)એ સૂચવી જ છે. આથી જનહિત અરજીની સુનાવણી કોર્ટે કરવી જોઈએ. કોર્ટે જોકે આ દલીલ પર જણાવ્યું હતું કે જો અનેજીટીએ ગણેશ ચતુર્થી માટે બંધી લાદી હોય તો તમે પણ ઈદે મિલાદ માટે એનજીટી પાસે જઈ શકો છે કોર્ટે કોઈ તકીદનું કારણ નહોવાનું જણાવીને ઓટો લિસ્ટ થવા દેવાનું જણાવ્યું હતું.

પુણેના ચાર વેપારી ઝુબેર પીરઝાદે, સિદ્દીકી આલમ અને અમરાન શેખ તથા ગૌસેમોદ્દીન શેખે જનહિત અરજી દ્વારા હાઈ કોર્ટને વિનંતી કરીને મહાપાલિકાઓને સરઘસ દરમ્યાન ડીજે, ડાન્સ, મ્યુઝીક અને લેઝર લાઈટ્સના વપરાશની પરવાનગી નહીં આપવાનો નિર્દેશ આપવા જણાવ્યું છે.

પવિત્ર કુરાન કે હાદિતમાં ડીજે સાઉન્ડ કે લેઝર લાઈટના વપરાશની પરવાનગી અપાઈ નથી કે પયગમ્બરે પોતે આવી ઉજવણીની ભલામણ કરી નહોવાનું અરજીમાં જણાવાયું છે.

 જાહેર સ્થળોમાં ઉજવાતા તમામ ધાર્મિક તહેવારોમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોની જોગવાઈનુ પાલન થવું જોઈએ અને કોઈ ધર્મ કે સમુદાય ડીજે સ્પીકરસ, ઘોંઘાટીયા  સાધનોના વપરાશ પર બંધારણ હેઠળ મૂળભૂત અધિકારનો દાવો કરી શકે નહીં એવી વિનંતી કરતી અરજી કરવામાં આવી હતી.

ઈદે મિલાદ અન નબીની ઉજવણી દરમ્યાન ડીજે અને લેઝર લાઈટના વપરાશને લીધે ધ્વનિ પ્રદૂષણ થાય છે અને ઈસ્લામની નૈતિકતાની અસર થાય  છે તેમ જ મોહમ્મદ પયગમ્બરે આપેલા સંદેશ વિરુદ્ધ છે, એમ અરજીમાં જણાવાયું છે.

હાઈકોર્ટે આપેલા નિર્દેશ છતાં સરકાર તહેવારોમાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવામાં નિષ્ફળ ગઈ છે. ડીજે અને લેઝર લાઈટના વપરાશ સંબંધી ફરિયાદોને હાથ ધરવા કોઈ તકરાર નિવારણ વ્યવસ્થા કરાઈ નથી. કોઈને પણ રસ્તા પર મોટા અવાજે ધાર્મિક સમારંભ કરવાની પરવાનગી હોવી જોઈે નહીં. કોઈ ધર્મમાં કાસ કરીને ઈસ્લામમાં ટ્રાફિક અવરોધીને રસ્તા પર જોરશોરથી ડીજે વગાડીને લેઝર લાઈટ બીમ વાપરવાનું આવશ્યક નથી.



Google NewsGoogle News